VIDEO: અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલમાં મોતને ભેટેલા વિદ્યાર્થીની શોકસભામાં લોકોનો હોબાળો
VIDEO: અમદાવાદ શહેરના ખોખરામાં આવેલી સેવન્થ-ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકુ મારી હત્યા કરી દીધી હતી. જે બાદ વિદ્યાથીનું મોત નિપજયું હતું. જે બાદ વિદ્યાર્થીની આજે સવારે શોકસભા યોજાઈ હતી. જેમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોએ “વી વોન્ટ જસ્ટિસ” અને “ન્યાય આપો, ફાંસી આપો”ના નારા લગાવ્યા હતા. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના મીડિયા ઈન્ટરવ્યૂ બાદ શોકસભામાં લોકોનો હંગામો થયો હતો. ધારાસભ્ય પાયલ કુકરાણીએ જણાવ્યું કે, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે દિલ્હી સુધી વાત પહોંચાડી છે. કોઈને પણ છોડવામાં નહી આવે. સરકાર બધા સામે પગલાં લેશે
મણિનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે જણાવ્યું હતું કે, મૃતક વિદ્યાર્થીના પરિવારજનો અને સ્થાનિક લોકોની જે માંગ હતી તે મુજબ સ્કૂલની બેદરકારીને લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ લેવામાં આવી છે. આ સ્કૂલ ICSE દિલ્હી ખાતેની છે જેથી અમે આ બાબતે દિલ્હી મેનેજમેન્ટ સાથે સંપર્કમાં છીએ. સ્થાનિક વાલીઓ અને પરિવારજનોને અમે જાણ કરી છે કે જે કોઈ પણ સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ ફરિયાદ હોય તે તમામ બાબતો અંગેની રજૂઆત તમે મને અને નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીને કરશો જેથી અમે આ બાબતે સરકારમાં રજૂઆત કરીશું.
કાયદામાં પુરાવા વિના કોઈપણ પગલાં લઈ શકાય નહીં જેથી આજે પણ સમાજના અગ્રણીઓ અને વાલીઓને જાણ કરી છે કે તમારે શિક્ષણ વિભાગના અધિકારી ક્રાઈમ બ્રાન્ચ અથવા સરકારમાં જે કોઈપણ રજૂઆત કરવી હોય તેના માટે અમે તમારી સાથે આવીશું. પરંતુ તેમની સામે ફરિયાદ કરવા માટે એક નીતિ નક્કી કરવી પડે અને કયા પુરાવાના આધારે રજૂઆત કરવી તે તમામ બાબતો અંગે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ICSE દિલ્હી ખાતે પણ આ બાબતે જાણ કરી છે તેમણે પ્રાથમિક રિપોર્ટના આધારે જણાવ્યું છે કે વાલીઓ અથવા તો સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે પુરાવાઓ મળશે તો ચોક્કસ તપાસ કરીને પગલાં ભરવામાં આવશે.
શું છે સમગ્ર ઘટના?
અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, બીજા દિવસે સવારે તેનું સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. જે બાદ લોકોનાં ટોળાંએ શાળામાં તોડફોડ કરી હતી. આ સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બાંચને સોંપવામાં આવી છે. હત્યા આચરનાર સગીર આરોપી અને અન્યને ઝડપી લેવામાં આવ્યા છે.

