Ahmedabad news : આખરે હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી શરૂ, 42 કરોડના ખર્ચે બનેલા બ્રિજને 4 કરોડનું આંધણ કરી તોડી પડાશે

Ahmedabad news: અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગયેલા હાટકેશ્વર બ્રિજને આખરે તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડેલા આ બ્રિજનું બાંધકામ અત્યંત નબળું હોવાથી તેને તોડવાનો નિર્ણય લેવાયો હતો. જેસીબી મશીનો દ્વારા વહેલી સવારથી જ બ્રિજને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીથી શહેરના ટ્રાફિક અને નાગરિકોની અવર-જવર પર અસર થવાની શક્યતા છે.
4 કરોડના ખર્ચે બ્રિજ તોડાશે
અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બનાવવાની કામગીરી વર્ષ-2015માં શરૂ કરાઈ હતી અને વર્ષ-2017માં જાહેર જનતા માટે બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જોકે, બ્રિજની ગુણવત્તાને લઈને ઉઠેલા સવાલો બાલ તેને બંધ કરાયો હતો. AMCએ અલગ-અલગ સંસ્થાઓ પાસે બ્રિજની ગુણવત્તાનો રિપોર્ટ કરાવ્યા બાદ હલકી કક્ષાનો પુરવાર થયો હતો. અંતે તેને તોડી પાડવાનો નિર્ણય કરાયો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આ બ્રિજને તોડવા માટે 4 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજને તબક્કાવાર રીતે તોડવામાં આવશે અને આખી કામગીરી પૂર્ણ થતાં અંદાજે 6 મહિના જેટલો સમય લાગી શકે છે. આ કામગીરીથી વાહનચાલકોને થોડી મુશ્કેલી શકે છે, પરંતુ નવો અને સુરક્ષિત બ્રિજ બનાવવા માટે આ પગલું જરૂરી હતું.
42 કરોડનો ખર્ચ છતાં બ્રિજ બિસ્માર
42 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ માત્ર ગણતરીના વર્ષોમાં જ બિસ્માર હાલતમાં આવી ગયો હતો. તેનું નબળું બાંધકામ સામે આવતાં તેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ બ્રિજને 'છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજ' તરીકે પણ નામ આપવામાં આવ્યું હતું.

