VIDEO: અમદાવાદના ઉસ્માનપુરામાં કોલેજ બહાર થાર ચાલકની ખતરનાક સ્ટંટબાજીનો વીડિયો વાયરલ, વિદ્યાર્થીઓના જીવ જોખમમાં
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પોર્શે અને મસ્ટાંગ કાર બાદ હવે થાર કારના ચાલકનો ત્રાસ સામે આવ્યો છે. ઉસ્માનપુરામાં આવેલી એશિયા પેસિફિક કોલેજ બહાર કોલેજ છૂટવાના સમયે જ્યારે વિદ્યાર્થિનીઓ રસ્તો ક્રોસ કરી રહી હતી, તે જ સમયે એક નબીરાએ બેફામ અને ઝીગઝેગ રીતે થાર કાર ચલાવીને ખતરનાક સ્ટંટબાજી કરી હતી, જેના કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આ બેજવાબદાર હરકતથી ગુસ્સે ભરાયેલા સ્થાનિકો અને રાહદારીઓએ તાત્કાલિક કાર ચાલકને ઘેરી લીધો હતો અને તેને ખખડાવ્યો હતો. આખરે ડરના માર્યા નબીરાએ માફી માંગીને ત્યાંથી ભાગી છૂટવું પડ્યું હતું. નોંધનીય છે કે પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા એક જ મહિનામાં સ્ટંટબાજીની આ ત્રીજી ઘટના સામે આવી છે, જેમાં અગાઉ પાયલટ અને લંગડાના પૌત્ર આદિત્ય બાદ હવે વધુ એક નબીરાનો વીડિયો વાયરલ થયો છે. આ મામલે ટ્રાફિક પોલીસે ગંભીરતા દાખવીને વધુ તપાસ હાથ ધરી છે.

