VIDEO: અમદાવાદમાં 2.5 ઈંચથી વધુ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી
ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે, ખાસ કરીને અમદાવાદ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. સવારે 10 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ અઢી ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જેના પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ખોખરા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ અને સોસાયટીઓમાં વરસાદી પાણી
અમદાવાદના ખોખરા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ અને સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયું છે, જેના લીધે અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. આ સ્થિતિએ સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે ચોમાસામાં ખોખરામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મુદ્દે કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
નારોલ વિસ્તારમાં ભારે વરસાદની ધમાકેદાર બેટીંગથી રસ્તાઓ અને સોસાયટીઓ પાણી-પાણી
અમદાવાદના નારોલ વિસ્તારમાં ભારે વરસાદની ધમાકેદાર બેટીંગથી રસ્તાઓ અને સોસાયટીઓ પાણી-પાણી થઈ ગયા છે. નારોલ સહિત વટવા, શાહવાડી અને લાંભાની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર ઘૂંટણસમું પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરંભે પડ્યો છે, અને રહીશોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ, નિકોલ, નરોડા, અને રબારી કોલોની સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે સરસપુર, વટવા, મણિનગર, ચાણક્યપુરી, ચાંદખેડા, ગોતા, થલતેજ, પકવાન ચાર રસ્તા, સિંધુભવન, ઇસ્કોન, સરખેજ, મકરબા, પ્રહલાદ નગર, અને વેજલપુર સહિતના પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.
અમદાવાદના આ વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ
જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, કાલુપુર, ઇન્કમટેક્સ, શાહપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણિનગર, લાલ દરવાજા, ગીતામંદિર, વાડજ, ઇન્કમટેક્સ, અને ઉસ્માનપુરા જેવા વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

