VIDEO: અમદાવાદમાં પ્રેમસંબંધમાં આંધળા બનેલા પતિએ પત્નીની કરી હત્યા, કાંડ છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક પતિએ પત્નીની ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. ઉવારસદની કર્ણાવતી ડેન્ટલ યુનિવર્સિટીમાં ઓટી આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હર્ષ પ્રજાપતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધોને કારણે દંપતી વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા.
હર્ષે છૂટાછેડાની બાબતે ઉગ્ર ઝગડો કરી પત્ની કોમલનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી
આ વિવાદોને પગલે હર્ષે છૂટાછેડાની બાબતે ઉગ્ર ઝગડો કરી પત્ની કોમલનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સાબરમતી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. ન્યૂ રાણીપમાં આવેલા પર્લ-78 રેસીડેન્સીમાં રહેતા હર્ષ પ્રજાપતિએ તેની 35 વર્ષીય પત્ની કોમલની ગળું દબાવી હત્યા કરી હોવાના આરોપસર સાબરમતી પોલીસે તેની ધરપકડ કરી છે. શરૂઆતમાં આ કેસ અચાનક બીમારીને કારણે થયેલા મોતના નાટક જેવો લાગતો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારના આક્ષેપો બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, ચોથી એપ્રિલની સવારે કોમલના પિતા ઈશ્વરભાઈ ઠાકોરને તેના વેવાઈનો ફોન આવ્યો હતો કે કોમલની તબિયત ખરાબ છે. જ્યારે પરિવાર પર્લ-78 રેસીડેન્સી પહોંચ્યો ત્યારે કોમલ બેડરૂમમાં બેભાન હાલતમાં પડી હતી. જોકે, કોમલના ગળાના ભાગે નખના નિશાન જોઈને પિતાને શંકા ગઈ હતી. જ્યારે પતિ હર્ષને આ બાબતે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે એવું બહાનું બનાવ્યું હતું કે, 'કોમલ બાથરૂમમાંથી બહાર નીકળી ત્યારે તેને ચક્કર આવ્યા અને ઉલટી થયા બાદ તે ઢળી પડી.' પરંતુ પરિવારને આ વાત ગળે ન ઉતરતા તેઓએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
હર્ષના અનૈતિક સંબંધ હોવાનો આક્ષેપ
આક્ષેપ છે કે હર્ષને અન્ય કોઈ મહિલા સાથે પ્રેમસંબંધ હતો, જેના કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. હર્ષ છેલ્લા કેટલાક સમયથી કોમલ પર છૂટાછેડા આપવા માટે માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતો હતો. હર્ષે કોમલને ધમકી આપી હતી કે જો તે આ અફેર વિશે કોઈને કહેશે તો તેના પરિણામ ભયંકર આવશે.
હત્યાના દિવસે શું બન્યું?
પોલીસના જણાવ્યાનુસાર, ચોથી એપ્રિલની સવારે હર્ષ અને કોમલ વચ્ચે છૂટાછેડાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આવેશમાં આવીને હર્ષે કોમલ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી. સાબરમતી પોલીસે મૃતક કોમલના પિતાની ફરિયાદના આધારે હર્ષ પ્રજાપતિ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ પરિવારજનોના નિવેદન નોંધી રહી છે અને ફોરેન્સિક પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

