Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : VIDEO: Fire breaks out in container filled with batteries near Chaklasi on Ahmedabad-Vadodara Expressway

VIDEO: અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ-વે પર ચકલાસી પાસે બેટરી ભરેલા કન્ટેનરમાં આગ ભભૂકી, સદનસીબે જાનહાની ટળી

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ અને વડોદરાને જોડતા નેશનલ એક્સપ્રેેસ-વે પર રવિવારે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલા એક કન્ટેનરમાં નડિયાદ નજીક ચકલાસી પાસે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કન્ટેનરમાં મોટી માત્રામાં બેટરી ભરેલી હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વડોદરાથી અમદાવાદ તરફ જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો.

App Store

વડોદરા તરફથી આવી રહેલું માલવાહક કન્ટેનર જ્યારે નડિયાદના હદ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે તેમાં અચાનક ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. ડ્રાઈવરે કંઈ પણ સમજે તે પહેલા જ આખા કન્ટેનરને આગે લપેટમાં લઈ લીધું હતું. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, કન્ટેનરમાં બેટરીઓનો જથ્થો ભરેલો હતો, જેના કારણે કેમિકલ રિએક્શન અથવા શોર્ટ સર્કિટના પરિણામે આગ ઝડપથી પ્રસરી હોવાની શક્યતા છે. આગ લાગવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. નડિયાદ ફાયર બ્રિગેડના ૧ વોટર બ્રાઉઝર અને પરિસ્થિતિની ગંભીરતા જોતા આણંદથી વધુ ૩ વોટર બ્રાઉઝરને તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા. કુલ ૫ જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. બેટરીઓ હોવાને કારણે આગને ઠારવામાં ફાયર વિભાગના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

આ દુર્ઘટનાને પગલે એક્સપ્રેસ હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ખાસ કરીને વડોદરાથી અમદાવાદ તરફ જતી લેન પર આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટાને કારણે સુરક્ષાના કારણોસર વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભાવી દેવામાં આવ્યો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક પોલીસ દ્વારા એક્સપ્રેસ હાઈવે પર લાગેલી આ આગને કારણે સર્જાયેલા ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. કન્ટેનરમાં લાગેલી આગ એટલી પ્રચંડ હતી કે દૂર દૂર સુધી તેના ધુમાડા દેખાઈ રહ્યા હતા. સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી, પરંતુ કન્ટેનરમાં રહેલો લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન છે. ફાયર વિભાગની ટીમ દ્વારા કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.