VIDEO: અમદાવાદના પકવાન હિટ એન્ડ રન કેસમાં બાઈકચાલકનું કરુણ મોત, કારચાલક વિરુદ્ધ કલમો વધારાઈ
VIDEO: અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર આવેલા પકવાન બ્રિજ પર થોડા દિવસો પહેલા સર્જાયેલા ભયાનક અકસ્માતમાં આજે એક કરુણ વળાંક આવ્યો છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક કમલેશ પાણખાણીયાનું સાત દિવસની ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની વિગત એવી છે કે, આરોપી રોહન પટેલ પોતાની કાર પૂરઝડપે હંકારી રહ્યો હતો ત્યારે પકવાન બ્રિજ પર તેણે કમલેશભાઈના બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે બાઈક કારના બોનેટના ભાગમાં ફસાઈ ગયું હતું અને ચાલક હવામાં ઉછળીને રોડ પર પટકાયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી અને તપાસ
અગાઉ આ મામલે SG-2 ટ્રાફિક પોલીસે કારચાલક રોહન પટેલની ધરપકડ કરી હતી. જોકે, હવે ઈજાગ્રસ્તનું મોત નિપજતા પોલીસ દ્વારા ફરિયાદમાં વધુ કડક કલમો ઉમેરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ હવે આ મામલે વધુ ઊંડી તપાસ કરી રહી છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ. આ અકસ્માતનો સીસીટીવી વીડિયો પણ તપાસમાં મહત્ત્વનો પુરાવો સાબિત થઈ શકે છે.

