VIDEO: ''PM દ્વારા ખેડૂતોને અપાયેલા તમામ વચનો સાચા નથી પડયાં''
VIDEO: ગુજરાતમાં ખેડૂતોને ઉદભવતા વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસે કેન્દ્ર અને રાજ્યની સરકાર પર વાક્ પ્રહારો કર્યા હતા. પીએમ દ્વારા ખેડૂતોને આપવામાં આવેલા ઉત્પાદન બમણા, આવક ડબલ કરીશું એવા વચનો તત્કાલીન સીએમ મોદી દ્વારા અપાયા હતા, જે આજદિન સુધી સાચા પડયા નથી. જેથી એવું લાગી રહ્યું છે કે, સરકારની નીતિ ખેડૂત વિરોધ છે. માવઠાને લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે. જમીનનું ધોવાણ થયું છે, કપાસ વાવતા ખેડૂતોને નુકસાન થાય તેવા નિર્ણયો કરી સરકારે ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે.
ગુજરાત કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી ખેડૂતોના પ્રશ્નો, રાજ્ય સરકારના ખેડૂતો અંગેનો નિર્ણય અને અન્ય મુદ્દાઓ પર સરકારને આડે હાથ લીધી હતી. ખેડૂતોની વિવિધ ફરિયાદ અંગે સરકાર ચિંતા નથી કરતી તેમજ ખેડૂતોને પાકનો પૂરતો ભાવ ન મળે ત્યારે સરકાર પાસે આશા રાખે છે પરંતુ ખેડૂતોની આશા ઠગારી નીકળે છે. સરકાર 100 ટકા ખરીદી નહીં કરી ખેડૂતોને અન્યાય કર્યો છે. જેથી ખેડૂતો રસ્તા પર આંદોલન કરી રહ્યા છે.
આ અંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સીએમને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે 100 ટકા મગફળીની ખરીદી કરવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો દાવો કર્યો હતો જોકે ખેડૂતોની જાવક બમણી અને આવક અડધી કરી નાખી છે. કર્ણાટક રાજ્યની કોંગ્રેસ સરકાર વર્ષે ખેડૂતોના ખાતામાં 32 હજાર રૂપિયા આપે છે, એ ધોરણે ગુજરાતમાં પણ ખેડૂતોને વર્ષે 32 હજાર રૂપિયા આપવાની કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવશે.

