VIDEO: અમદાવાદ: ‘વેસ્ટ ટુ વાઉ’ના મંત્ર સાથે FICCI FLO દ્વારા પૃથ્વી દિવસની ઉજવણી, કચરામાંથી કલા બનાવવાનું જીવંત માર્ગદર્શન
VIDEO: દેશ અને દુનિયામાં જ્યારે પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં FICCI FLO (ફિક્કી ફ્લો) અમદાવાદ ચેપ્ટર દ્વારા પર્યાવરણ જાળવણીના મક્કમ નિર્ધાર સાથે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 'She Builds Earth, She Sustains Tomorrow'ના પ્રેરણાદાયી સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણને ટકાઉ રાખવા અને પ્રદૂષણ ઘટાડવા માટે 'વેસ્ટ ટુ વાઉ' વર્કશોપ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
કચરાનું વ્યવસ્થાપન અને સર્જનાત્મકતા
આ વર્કશોપમાં નિષ્ણાત વક્તા સુપ્રિયા ગુપ્તા અને શિવાંશ વ્યાસે ઉપસ્થિત લોકોને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન (Waste Management) કેવી રીતે કરવું તેની સમજ આપી હતી. ખાસ કરીને પ્લાસ્ટિક અને અન્ય નકામી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરીને પૃથ્વીનું રક્ષણ કેવી રીતે કરી શકાય અને તે જ વેસ્ટ વસ્તુઓમાંથી 'બેસ્ટ' અને સુંદર વસ્તુઓ કેવી રીતે તૈયાર કરી શકાય, તેનું જીવંત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મહિલાઓની સહભાગીદારી અને નેતૃત્વ
ગ્રીન ટેક કમિટીના રૂત્વી વ્યાસ અને રાજવી પરીખે યજમાન તરીકેની ભૂમિકા નિભાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ફિક્કી ફ્લો કમિટી મેમ્બર રાજવી પરીખે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે, કારણ કે જ્યારે એક મહિલા પર્યાવરણ લક્ષી પગલું ભરે છે, ત્યારે આખો પરિવાર અને આવનારી પેઢી તેનાથી પ્રભાવિત થાય છે.
ટકાઉ ભવિષ્યનો સંદેશ
કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પ્લાસ્ટિકના ઉપયોગને મર્યાદિત કરવા અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવાના શપથ લીધા હતા. નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો આપણે આજે નાનકડું પગલું ભરીશું, તો જ આપણે આવતીકાલના સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યમાં યોગદાન આપી શકીશું.

