VIDEO: ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદના બાકરોલ પાસે સાબરમતી નદીમાં 20થી 25 શ્રમિકો પાણીમાં ફસાયા
VIDEO: ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં વિપુલ પાણીની આવક થતા તેમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. જેને પગલે સાબરમતી નદીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. સાબરમતીમાં પાણીને લીધે બાકરોલ પાસે માછલી પકડવા માટે ગયેલા 20થી 25 જેટલા લોકો પાણીમાં ફસાઈ ચુક્યા છે. આ અંગેની જાણ થતા તંત્ર અને અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી આરંભી છે.
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈના બાકરોલ ગામે નદીના પટમાં એકાએક સાબરમતી નદીના પાણીનું જળસ્તર વધી જતા આશરે 20થી 25 જેટલા લોકો પાણીમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લી મળેલી જાણકારી પ્રમાણે ફાયર બિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી અને પાણીમાં ફસાયેલા લોકોનું રૅસ્કયૂ ઓપરેશન ચાલુ કર્યું છે.
બાકરોલ ગામ નજીક 25 શ્રમિકોનું રેસ્ક્યુ
મળતી માહિતી મુજબ, સાબરમતી નદીનામાં ડેમના પાણી છોડવામાં આવ્યા છે, ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે. જેમાં નદીમાં જળસ્તર વધતાં અમદાવાદના સરખેજ નજીક આવેલા બાકરોલ ગામ પાસે નદી પર બની રહેલા ઓવરબ્રિજની કામગીરીમાં રોકાયેલા 20થી 25 જેટલાં શ્રમિકો ફસાયા હતા. સમગ્ર ઘટના મામલે અમદાવાદ ફાયર વિભાગની ટીમ ચાર-પાચ ગાડીઓ અને ત્રણ બોટ સાથે પહોંચી હતી. આ પછી નદીના પ્રવાહમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

