VIDEO: Ahmedabad નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી મળ્યા બે મૃતદેહ, પોલીસ હાથ ધરી તપાસ
અમદાવાદની બહારથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળેથી બે અજાણ્યા યુવકોના મૃતદેહ મળી આવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેનાલના અલગ-અલગ વિસ્તારોમાંથી મૃતદેહ મળી આવતા વહીવટી તંત્ર અને સ્થાનિક પોલીસનો કાફલો દોડતો થયો છે. પોલીસે બંને મૃતદેહોને બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બે અલગ-અલગ ગામની સીમમાંથી મળ્યા શબ
મળતી માહિતી અનુસાર, નર્મદા કેનાલના બે જુદા-જુદા લોકેશન પરથી આ મૃતદેહો મળી આવ્યા છે. પહેલો મૃતદેહ કેનાલના જમીયતપુરા ગામની હદ પાસે વહેતા પાણીમાંથી મળી આવ્યો હતો. બીજો મૃતદેહ ખોરજ ગામની સીમ નજીક પસાર થતી કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
કેનાલ કિનારેથી પસાર થઈ રહેલા સ્થાનિક રાહદારીઓને પાણીમાં કંઈક શંકાસ્પદ તરતું હોવાનું દેખાયું હતું. લોકોએ નજીક જઈને બારીકાઈથી જોતાં જ તે યુવકોના મૃતદેહ હોવાની પુષ્ટિ થઈ હતી. સ્થાનિકોએ આ અંગે તાત્કાલિક પોલીસ જાણ કરી હતી.
માહિતી મળતાની સાથે જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદ મેળવીને ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહોને કેનાલના ઊંડા પાણીમાંથી બહાર કાઢીને કાંઠે લીધા હતા. એક જ દિવસમાં કેનાલમાંથી બે યુવકોની લાશ મળવાના કારણે વિસ્તારમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. આ અકસ્માત ડૂબી જવાનો છે, આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

