Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Two accused acquitted in ₹1.44 crore fake currency notes case from Kalupur railway station, court finds serious flaws in police investigation

કાલુપુર રેલવે સ્ટેશન પરથી ₹1.44 કરોડની નકલી ચલણી નોટો કેસમાં બે આરોપી નિર્દોષ, કોર્ટને પોલીસ તપાસમાં ગંભીર ક્ષતિઓ મળી

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
કાલુપુર રેલવે સ્ટેશન પરથી ₹1.44 કરોડની નકલી ચલણી નોટો કેસમાં બે આરોપી નિર્દોષ, કોર્ટને પોલીસ તપાસમાં ગંભીર ક્ષતિઓ મળી
સોર્સ : gstv

અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પરથી વર્ષ 2020માં ₹1,44,80,000 (એક કરોડ ચુંમાળીશ લાખ એંસી હજાર)ની ભારતીય બનાવટની નકલી ચલણી નોટો સાથે પકડાયેલા બે આરોપીઓને અમદાવાદ સેશન્સ કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો છે. સેશન્સ જજ હેમાંગ રાવલે ચુકાદો આપતાં નોંધ્યું હતું કે, પોલીસ તપાસમાં રહેલી ગંભીર ક્ષતિઓ, સાક્ષીઓના નિવેદનોમાં વિરોધાભાસ અને પુરાવાના અભાવે પ્રોસિક્યુશન (સરકાર પક્ષ) આરોપીઓ વિરુદ્ધનો ગુનો નિઃશંકપણે સાબિત કરી શક્યું નથી.

App Store

શું હતો સમગ્ર મામલો?

કેસની વિગતો અનુસાર, 30 ડિસેમ્બર 2020ના રોજ રેલવે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) આર.કે. વાણીયા અને તેમની ટીમ કાલુપુર રેલવે સ્ટેશન પર પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, દિલ્હીથી અમદાવાદ આવતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં એક યુવક કાળા રંગની બેગમાં નકલી ચલણી નોટો લઈને આવી રહ્યો છે.

આ બાતમીના આધારે રેલવે પોલીસે વોચ ગોઠવીને પ્લેટફોર્મ નંબર-4 પરથી આરોપી વિકાસ નરેન્દ્ર શર્માને ઝડપી લીધો હતો. તેની બેગમાંથી ₹2,000ના દરની 7,240 નકલી ચલણી નોટો મળી આવી હતી, જેની કુલ કિંમત ₹1,44,80,000 થતી હતી. પોલીસ પૂછપરછમાં આ નોટો સહ-આરોપી હંસરાજ લૌહારે આપી હોવાનું અને તે ફ્લાઇટ દ્વારા અમદાવાદ આવી રહ્યો હોવાનું સામે આવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

અદાલતે ચુકાદામાં કઈ બાબતો નોંધી?

આ કેસની સુનાવણી દરમિયાન આરોપીઓ તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ કેસ દરમિયાન 41 સાક્ષીઓ અને 75 દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી કરી હતી. અદાલતે તમામ પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ ચુકાદામાં મહત્વની કાનૂની બાબતો નોંધી હતી.

પોલીસે આરોપી પાસેથી સવારે 9:00 વાગ્યે નકલી ચલણી નોટો કબજે કરી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેનું સત્તાવાર પંચનામું છેક સાંજે કરવામાં આવ્યું હતું, જે પ્રક્રિયા પર શંકા જન્માવે છે. ફરિયાદી પક્ષ અને રેઇડિંગ પાર્ટીના પોલીસ સભ્યોએ પંચનામાની વિગતે જે મુદ્દામાલ કબજે કર્યાનું જણાવ્યું હતું, તે હકીકતને સ્વતંત્ર પંચોએ અદાલતમાં લેશમાત્ર સમર્થન આપ્યું ન હતું. પંચોએ એવું સ્વીકાર્યું ન હતું કે આ મુદ્દામાલ આરોપી પાસેથી જ મળી આવ્યો હતો. ફરિયાદી તેમજ રેઇડિંગ પાર્ટીના પોલીસ સભ્યોના પુરાવા શંકાથી પર જણાયા નથી અને તેઓના નિવેદનોમાં પરસ્પર વિરોધાભાસ તેમજ વિસંગતતા જોવા મળી છે.

કોર્ટે આપ્યો શંકાનો લાભ

કોર્ટે ચુકાદો જાહેર કરતા સ્પષ્ટ કર્યું હતું કે, રેકોર્ડ પર ગુનાને લગતી કોઈ ફળદાયી હકીકત આવી શકી નથી. કાયદાના સ્થાપિત સિદ્ધાંત મુજબ, જ્યાં સુધી ગુનો શંકાથી પર સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને દોષિત ઠેરવી શકાય નહીં. પરિણામે, નામદાર સેશન્સ કોર્ટે તપાસની ગંભીર બેદરકારીઓ અને ક્ષતિઓને ધ્યાને રાખીને આરોપી હંસરાજ લૌહાર અને વિકાસ શર્માને શંકાનો લાભ આપી સન્માનપૂર્વક છોડી મુકવાનો આદેશ કર્યો છે.