અસારવા સિવિલમાં વિકાસના નામે વૃક્ષોનો સફાયો! 100થી વધુ 10-15 વર્ષ જૂના વૃક્ષો કપાયા

અમદાવાદના અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં BJ મેડિકલ કોલેજ પાસે આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડમાં 100થી વધુ 10થી 15 વર્ષ જૂના વૃક્ષો અને છોડનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. વૃક્ષો કાપવા માટે જરૂરી મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. પ્લેન ક્રેશની વરસીએ રોપવામાં આવેલા 40-50 છોડ પણ JCB ફેરવી ઉખાડી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ છે. ઘટનાને પગલે પર્યાવરણપ્રેમીઓમાં રોષ ફેલાયો છે અને તપાસની માગ કરવામાં આવી છે.
મંજૂરી વગર વૃક્ષો કાપી નાખ્યાનો આક્ષેપ
અમદાવાદની સિવિલ મેડિસિટી કેમ્પસમાં મિથિલા-આશ્રયમ્ સ્ટાફ ક્વાર્ટર્સ પાસેની જગ્યામાં વર્ષોથી ઉછરેલા આશરે 100 જેટલા વૃક્ષો કાપીને મેદાન બનાવી દેવામાં આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આમાંથી અનેક વૃક્ષો લોકોએ જાતે રોપ્યા હતા અને 10થી 15 વર્ષ સુધી તેની જાળવણી કરી હતી. એક તરફ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ સરકારી કેમ્પસમાં જ વર્ષો જૂના વૃક્ષો કાપી નાખવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે વૃક્ષો કાપવા માટે કોઈ જરૂરી મંજૂરી લેવામાં આવી નહોતી. એટલું જ નહીં, પ્લેન ક્રેશની વરસીએ રોપવામાં આવેલા 40-50 છોડ પણ JCB દ્વારા ઉખાડી નાખવામાં આવ્યા છે. આ ફૂટબોલ ગ્રાઉન્ડની જગ્યા BJ મેડિકલ કોલેજ હેઠળ આવતી હોવાનું જણાવાય છે. સમગ્ર મામલે તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ પર્યાવરણપ્રેમીઓએ કરી છે. ઘટનાની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગે પણ સ્ટાફને સ્થળ પર મોકલ્યો હતો.
રિ-પ્લાન્ટેશનની ચર્ચા વચ્ચે રાતોરાત JCB દોડાવાઈ
સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રમત-ગમત માટે મેદાનની માગણી કરવામાં આવી હતી. આ અંગે ડીન સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફૂટબોલ ગ્રાઉન્ડ માટે જગ્યા સાફ કરવાની પ્રક્રિયા હાથ ધરવાની હતી. તેમાં વૃક્ષોના રિ-પ્લાન્ટેશન (Re-plantation) અને જરૂરી મંજૂરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે. જોકે, આ પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ રાતોરાત JCB દોડાવી વૃક્ષો અને છોડને હટાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ છે.
કાપી નાખવામાં આવેલા વૃક્ષો અને છોડ
કાપી નાખવામાં આવેલા વૃક્ષોમાં સિંદુર, પારસ પીપળો, આમળા, ખાખરો, રાયણ, બહેડા, આંબલી, લીમડો, સપ્તપર્ણી, વડ, જાંબુ, રૂખડો, મહુડો, સીસમ, સાગ, પારિજાત, રાતરાણી, કોડિયા, કોઠી અને પાનેરવો સહિતના વૃક્ષો તથા છોડનો સમાવેશ થાય છે. હવે આ મામલે સત્તાવાર મંજૂરી લેવામાં આવી હતી કે નહીં અને વૃક્ષો કાપવાની કાર્યવાહી કયા સ્તરે થઈ તે અંગે તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.

