ડ્રગ્સનું દૂષણ ડામવામાં નહીં આવે તો લોકો ઘેર-ઘેર બંધાણી બની જશે, અમદાવાદ સેશન્સ કોર્ટનું અવલોકન

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી 23 કિલો અને 859 ગ્રામ ચરસના મોટા જથ્થા સાથે પકડાયેલા આરોપી શાહીદુલ હબીબુલ રહેમાન, મહંમદ રીઝવાન અને મોહંમંદ જીસાન છોટેને સ્પેશ્યલ અને ડીપીએસ કોર્ટના જજ ભરત એલ.ચોઇથાણીએ 14-14 વર્ષની સખત કેદની સજા અને એક-એક લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે.જોકે, કોર્ટે બહુ ગંભીર અવલોકન કર્યું હતું કે, ડ્રગ્સનું દૂષણને ડામવામાં નહીં આવે તો જેમ ઘણા બધા રાજ્યોમાં ઘરે-ઘરે એક-એક સભ્ય ડ્રગ્સના બંધાણી બની ગયેલ છે, તેમ આખા દેશમાં આ પરિસ્થિતિનું નિર્માણ થશે.
ચરસના જથ્થા સાથે પકડાયેલા ત્રણ આરોપીઓને 14-14 વર્ષની કેદની સજા
કોર્ટે વધુમાં જણાવ્યું કે, જો આવુ જ ચાલતુ રહેશે તો તરૂણવય, કિશોર વય અને યુવાન વયના નાગરિકો તેની આદતમાં આવી જઇ પોતાને અને ત્યારબાદ કુટુંબ-સમાજને દરેક રીતે વિનાશ તરફ દોરી જશે. માનસિક આરોગ્યના દવાખાને તથા મનોચિકિત્સકના ક્લીનીકમાં આવતા આવા કેસોનો અભ્યાસ કરવાથી ખબર પડી શકે છે કે ડ્રગ્સના બંધાણીઓની કેટલી ખરાબ પરિસ્થિતિ છે.
ચકચારભર્યા એવા આ કેસમાં NCB તરફથી સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટર અખિલ દેસાઇએ જણાવ્યું હતું કે, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોને મળેલી બાતમીના આધારે 27-7-2019ના રોજ આરોપીઓ સાબરમતી રેલવે સ્ટેશન પર આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના કોચમાંથી આરોપી મહંમદ રીઝવાન અને મોહંમદ જીસાન છોટેની પાસેથી બે બેગમાંથી 12 પેકેટ મળી આવ્યા હતા જેમાં 23 કિલો,859 ગ્રામ જેટલો ચરસનો મોટો જથ્થો જપ્ત કરાયો હતો. આ જથ્થો તેઓને આરોપી શાહીદુલ હબીબુલ રહેમાને આપ્યો હોવાનું તપાસમાં ખૂલતાં તેને પણ ઝડપી લેવાયો હતો.
સમાજમાં ચરસ-ડ્રગ્સ સહિત માદક પદાર્થોનું સેવન વધ્યુ
આરોપીઓ સિન્ડીકેટ રચી મોટી માત્રામાં ચરસના જથ્થાની હેરાફેરી કરતા પકડાયા હોવાનું પુરવાર થાય છે. સમાજમાં હાલ ચરસ, ડ્રગ્સ સહિતના માદક પદાર્થોની હેરાફેરી અને સેવન ખૂબ વધી ગયા છે અને આવા કેસોમાં કોર્ટે સખ્તાઇથી કામ લઇ આરોપીઓને દાખલારૂપ સજા કરવી જોઇે. આ દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ત્રણેય આરોપીઓને 14-14 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી અને ચુકાદામાં નોંધ્યુ હતું કે, છેલ્લા થોડા વર્ષોમાં મોટા પ્રમાણમાં ઘણી બધી જગ્યાએથી જુદા જુદા પ્રકારના ડ્રગ્સની જુદી જુદી પદ્ધતિથી એટલે કે, વાહનમાં ટાયરો, દરિયાઇ રસ્તે, ફ્લાઇટ, પેટમાં છુપાવીને માદક પદાર્થોની હેરાફેરી થઇ રહી છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. જો આ બાબતે વધુ જાગૃતતા,સતર્કતા અને કડકાઇ દાખવવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વણસી શકે તેમ છે. માદક પદાર્થોનું સેવન થાય છે અને તેથી વેચાય છે. આ દુષણને ડામવાની અને ડ્રગ્સના કાયદાની કડક જોગવાઇઓનો વધુમાં વધુ પ્રચાર કરવાની જરૂરિયાત છે.

