VIDEO: રાજ્યભરમાં ચાલી રહેલી વકીલોની હડતાળ પરત ખેંચવાનો નિર્ણય, નવા કાયદાની સમીક્ષા માટે સમિતિ બનશે
રાજ્યભરમાં ચાલી રહેલી વકીલોની હડતાળને લઈને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે મહત્વની જાહેરાત કરી છે. હડતાળ માટે આપવામાં આવેલું આહવાન પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે આગળની કાર્યવાહી અને રજૂઆતો માટે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવશે. આ કમિટી સંબંધિત મુદ્દાઓનો અભ્યાસ કરી યોગ્ય રજૂઆત કરશે.
નાયબ મુખ્યમંત્રી સાથે વકીલોની સફળ બેઠક
નવા કાયદાના અમલીકરણ અંગે વકીલોમાં ચાલી રહેલી નારાજગી અને કામકાજથી અળગા રહેવાના વિરોધ પ્રદર્શન વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે બાર કાઉન્સિલના સભ્યોની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં વકીલોના પ્રશ્નો અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જ્યુડિશિયરીને જરૂરી સત્તા આપવા તેમજ નવા કાયદાઓની યોગ્ય સમીક્ષા કરવા માટે પબ્લિક અને લીગલ પ્રતિનિધિઓ ધરાવતી પાંચ સભ્યોની ખાસ સમિતિ બનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પંચસભ્યોની કમિટી કાયદાકીય પાસાઓની ઝીણવટભરી સમીક્ષા કરી પોતાનો અહેવાલ સોંપશે, જેના આધારે રાજ્ય સરકાર દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે. આ નિર્ણયથી વકીલોની નારાજગી દૂર થાય તેવી શક્યતા છે.

