VIDEO: ધોળકાના ભેટાવાડામાં કેમિકલયુક્ત પાણી મુદ્દે તંગદિલી, પાળો તોડવા પહોંચેલા તંત્રનો ગ્રામજનોએ કર્યો વિરોધ
અમદાવાદના ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે કેમિકલયુક્ત પાણીના મુદ્દે છેલ્લા 21 દિવસથી ચાલી રહેલું ગ્રામજનોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. ધોળકા નગરપાલિકા અને સ્થાનિક કંપનીઓ દ્વારા છોડવામાં આવતા ગંદા અને કેમિકલયુક્ત પાણીને અટકાવવાની માંગ સાથે આસપાસના પાંચ ગામોના લોકો વિરોધ કરી રહ્યા છે.
ગ્રામજનોએ પાણીનો નિકાલ રોકવા માટે ભેટાવાડા ગામે માટીની પાળો બાંધી દીધો હતો. જોકે, છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. વરસાદી પાણી સાથે રોકાયેલું ગંદુ અને કેમિકલયુક્ત પાણી ભેગું થતાં વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાની ભીતિ ઊભી થઈ હતી.
રસ્તા પર બેસી ગ્રામજનોનો વિરોધ
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્રના અધિકારીઓ બે JCB અને મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ભેટાવાડા ગામે પહોંચ્યા હતા અને પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા માટીના પાળાને તોડવાની કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તંત્રની કાર્યવાહી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનો રસ્તા પર બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. પોતાની માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે.
હાલ ભેટાવાડા ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. એક તરફ તંત્ર પાણીના નિકાલ માટે પાળો તોડવાની કામગીરી કરવા મક્કમ છે, તો બીજી તરફ ગ્રામજનો પોતાની માંગ પર અડગ છે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

