સેટેલાઇટ-SG હાઇવે પર SMCનો સપાટો, જાણીતા સ્પા સેન્ટરોમાં સરપ્રાઇઝ ચેકિંગ

અમદાવાદમાં મનપસંદ જુગાર ધામ પર સફળ દરોડા પાડ્યા બાદ હવે સ્ટેટ મોનિટરિંગ સેલ-SMCની ટીમોએ પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારો તરફ નજર દોડાવી છે. સેટેલાઇટ અને એસ.જી. હાઇવે વિસ્તારમાં આવેલા સ્પા એન્ડ વેલનેસ સેન્ટરોમાં કાળી પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમીના આધારે SMCની ટીમોએ સરપ્રાઇઝ ચેકિંગ અને દરોડાની કડક કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે સ્પા અને વેલનેસ સેન્ટરના નામે દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. આ માહિતીના આધારે ટીમોએ દરોડા પાડીને સ્થળ પરથી કેટલીક યુવતીઓ અને ગ્રાહકોને ઝડપી પાડ્યા છે.
6 જગ્યાએ ચેકિંગ, 4 જાણીતા સ્પા સેન્ટરોમાં સફળ દરોડા
SMC દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 6 જગ્યાઓએ સ્પા સંબંધિત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી નીચે જણાવેલ 4 જગ્યાઓએ સફળ દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
A9 સ્પા (સેટેલાઇટ)
ઓરેંજ સ્પા (વસ્ત્રાપુર)
ગેલેક્સી સ્પા (બોડકદેવ)
બ્લોસમ સ્પા (બોડકદેવ)
દરોડા દરમિયાન સ્પા સેન્ટરોમાંથી સંચાલકો ઉપરાંત અનેક ગ્રાહકો અને યુવતીઓ મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ અને સ્ટેટ મોનિટરિંગ સેલે સીધા દરોડા પાડીને કડક સપાટો બોલાવતાં શહેરના અન્ય સ્પા સંચાલકોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

