VIDEO: ગુજરાતમાં ખરીફ વાવણીની ધીમી શરૂઆત; સીઝનનું 60 ટકા વાવેતર પૂર્ણ, ગત વર્ષ કરતાં 9 ટકા ઓછું
ગુજરાતમાં ખરીફ સીઝનની શરૂઆતમાં વરસાદમાં ખાધ રહેતાં અને માત્ર 30 ટકા વિસ્તારમાં જ નોંધપાત્ર વરસાદ પડતાં વાવણીની ગતિ ધીમી રહી છે. જોકે, પાછલા સપ્તાહમાં છૂટાછવાયા ઝાપટાં ચાલુ રહેતાં ખેડૂતોને મોટી રાહત મળી છે. 20 જુલાઈ સુધીના આંકડા મુજબ, રાજ્યમાં સીઝનના સરેરાશ 85.30 લાખ હેક્ટર પૈકી 50.83 લાખ હેક્ટર વિસ્તારમાં વાવણી પૂર્ણ થઈ ગઈ છે, જે કુલ સરેરાશના 60 ટકા જેટલી છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 58.39 લાખ હેક્ટરમાં (68.44 ટકા) વાવેતર થઈ ચૂક્યું હતું, જેની સરખામણીએ આ વર્ષે વાવેતર 9 ટકા ઓછું રહ્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં કયા પાકનું કેટલું વાવેતર?
સામાન્ય રીતે આ સમય સુધીમાં મગફળીનું વાવેતર 100 ટકા સુધી પહોંચી જતું હોય છે, પરંતુ આ વર્ષે વિલંબિત વરસાદને કારણે 16.48 લાખ હેક્ટરમાં (86 ટકા) વાવણી થઈ છે.
સોયાબીન: સામાન્ય સાપેક્ષે સૌથી વધુ 88.49 ટકા વાવેતર સોયાબીનનું નોંધાયું છે.
કપાસ: 18.76 લાખ હેક્ટરમાં મોસમનું 79 ટકા વાવેતર પૂર્ણ થયું છે.
મકાઈ: 2.19 લાખ હેક્ટરમાં 78 ટકા વાવણી થઈ ચૂકી છે.
ડાંગર: અનાજનો મુખ્ય પાક ગણાતાં ડાંગરનું વાવેતર હજી સુધી માંડ 25 ટકા જ પૂર્ણ થઈ શક્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના 30 લાખ હેક્ટર વિસ્તાર સહિત સમગ્ર રાજ્યમાં મગફળી, કપાસ, સોયાબીન, ડાંગર, મકાઈ અને તુવેર સહિતના પાકોનું વાવેતર પૂર્ણ થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં છૂટાછવાયા વરસાદની આગાહી હોવાથી ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ બને તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.

