ગુજરાતમાં ઠંડીનો સેકન્ડ રાઉન્ડ: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં શિયાળાએ બરાબરનો મિજાજ બતાવ્યો છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી કરી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક યોગેશ બીજાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં હજુ પણ ઠંડીનું જોર યથાવત રહેશે અને આગામી 7 દિવસ સુધી હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહેવાની શક્યતા છે.
નલિયામાં કાતિલ ઠંડી
જનજીવન પ્રભાવિત છેલ્લા 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કચ્છનું નલિયા 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું છે. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારે અને મોડી રાત્રે લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે.
તાપમાનમાં ફેરફાર છતાં ઠંડી નહીં ઘટે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જોકે, તાપમાન વધવા છતાં ઠંડા પવનોની અસરને કારણે લોકોએ ઠંડીનો અહેસાસ ચાલુ જ રહેશે. ખાસ કરીને વહેલી સવારે ઠંડા પવનોને લીધે ઠંડીનું પ્રમાણ વધુ જણાશે.
હવામાન વિભાગની સત્તાવાર આગાહી
અમદાવાદ હવામાન વિભાગ તરફથી જણાવાયું હતું કે, "આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. ઉત્તર-પૂર્વના પવનો સીધા ફૂંકાઈ રહ્યા હોવાથી ઠંડીનું જોર રહેશે. તાપમાનમાં આંશિક વધારો થશે પરંતુ તેની અસર ઠંડી ઘટાડવા માટે પૂરતી નહીં હોય."

