Ahmedabad news: આયુષ્માન કાર્ડ માટે નકલી આવકના દાખલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું

Ahmedabad news: અમદાવાદ શહેરમાં ફરી એકવાર મસમોટું કૌભાંડ ઝડપાયું છે. જેને લઈ ભારે ચકચાર મચી જવા પામી છે. આ કૌભાંડ સરકારી દસ્તાવેજ અને તેની યોજનાઓ પર અસર કરે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના મહત્ત્વના આરોગ્ય સેવા પર પણ આ કૌભાંડ અસર કરે છે. રામોલના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી ચાલતા આ કૌભાંડથી સરકારને ખૂબ નુકસાન થવાનું હતું. આયુષ્માન કાર્ડ માટે નકલી આવકના દાખલા બનાવવાનું કૌભાંડ પકડાયું છે. રામોલ પોલીસે દરોડા પાડી આવકના દાખલાના કૌભાંડ બનાવનાર ટોળકીના બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના રામોલના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક નાનકડી દુકાનમાંથી પોલીસને મળેલી બાતમીના આધારે નકલી આવકના દાખલા બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ગરીબ અને મધ્યમ વર્ગને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 10 લાખ રૂપિયા સુધીની સારવાર મળી રહે તે માટે કેન્દ્ર સરકારે મહત્ત્વના પ્રોજેક્ટ સમાન બહાર પાડેલા આયુષ્માન કાર્ડ બનાવવા આવકનો દાખલો જરુરી છે. જેથી આ કૌભાંડ આચરનાર આરોપીઓએ નકલી આવકના દાખલાનો વેપલો શરૂ કર્યો હતો.
કેવી રીતે બનાવટી આવકના દાખલા બનાવવામાં આવતા હતા
આરોપી કિશોરે તેના કોઈ મિત્ર મારફતે દસક્રોઈ મામલતદાર કચેરીમાં થી ખોટા આવાક તથા ખોટા સરનામાં સાથેના આવકના દાખલા કઢાવ્યા હતા અને આ દાખલાનો સાચા તરીકે ઉપયોગ કરીને લોકોના આયુષ્માન કાર્ડ કઢાવવા માટેની પ્રોસેસ કરતા હતા.
ધંધાકીય માથાકૂટમાં ધીરજ અને કિશોર છુટા પડયા
બંને આરોપી મિત્રો વચ્ચે ધંધાકીય ખટરાખ ઉભો થતા કિશોરભાઈએ ધીરજની દુકાનની બાજુમાં પાન પાર્લરની દુકાન શરુ કરીને તેની આડમાં આયુષ્માન કાર્ડ કાઢી આપવાનું શરુ કરતા આરોપી ધીરેજે સુરતના દીપક આહીરનો સંપર્ક કરીને બનાવટી આવકના દાખલા ધીરજને લાવી આપતો હતો. જેના આધારે આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવતા હતા.
ત્રીજા આરોપીને આવતાની સાથે જ ટાર્ગેટ આપ્યો હતો
સુરતના દીપક આહીરની એન્ટ્રી થતાની સાથે જ આરોપી ધીરજ રાજપૂતે 40 જેટલા આયુષ્માન કાર્ડના આવકના દાખલા લાવી આપવાથી લઈને તેની મંજુરી અંગેની કામગીરી ઝડપી કરાવી આપવાનો ટાર્ગેટ આપ્યો હતો.
જે અંગેની ગંધ પોલીસને મળતા બે આરોપીને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી હતી. જે અંગે દસક્રોઈ મામલતદાર કચેરી અને સુરતથી આવકના ખોટા ડોક્યુમેન્ટ લવાયા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેથી રામોલ પોલીસે સમગ્ર કૌભાંડ આચરતી ટોળકીના ત્રણની સામે ગુનો નોંધી બે આરોપીને જેલહવાલે કર્યા છે. આ ઉપરાંત અન્ય ફરાર એક આરોપીની ધરપકડ કરવા રામોલ પોલીસે કવાયત હાથ ધરી છે.

