અમદાવાદમાં આંગડિયા વેપારી સાથે ₹3.18 કરોડની ઠગાઈ, EDના નામે ખેલાયો મોટો ખેલ

અમદાવાદમાં આંગડિયા પેઢી ચલાવતા એક વેપારી સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના નામે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ED દ્વારા જપ્ત કરવામાં આવેલા 11.10 કરોડ રૂપિયા, મોબાઇલ અને ડી.વી.આર. પરત છોડાવી આપવાના બહાને પાંચ શખસોએ કાવતરું રચીને વેપારી પાસેથી 3.18 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.
આરોપીઓએ ઈ.ડી., સી.બી.આઈ. અને એ.ટી.એસ. જેવા ઉચ્ચ વિભાગોમાં પોતાની મોટી ઓળખાણ અને સેટિંગ હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ એક બોગસ નોટરાઇઝડ કરાર ઊભો કરી ઊલટાનું ફરિયાદી પાસે 13.20 કરોડ રૂપિયાની ઉઘરાણી કરતી કાનૂની નોટિસ પણ ફટકારી દીધી હતી.
આંગડિયા પેઢી પર EDના દરોડા બાદ ખેલાયો ખેલ
મળતી માહિતી અનુસાર, શાહીબાગ વિસ્તારમાં રહેતા અને 'વિષ્ણુ કાંતીલાલ'ની કંપનીના નામે આંગડિયા પેઢી ચલાવતા 59 વર્ષીય સાંકળચંદ પટેલ આ કેસના ફરિયાદી છે. ગત છઠ્ઠી ડિસેમ્બર 2024ના રોજ તેમની નવરંગપુરા સ્થિત ઓફિસ પર EDએ દરોડા પાડી ગ્રાહકોના 11.10 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આ ઘટના બાદ ચાંદલોડિયાના વિજય પટેલ (મુખી), નવા વાડજના દર્શન વેદ, ગોતાના એડવોકેટ સુધાંશુ ઝા, તેમજ મુંબઈના પ્રવિણ ભાનુશાળી અને વિરાટ સિંગ નામના પાંચ શખસોએ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને EDમાંથી નાણાં પાછા અપાવવાની ખાતરી આપી હતી.
અલગ-અલગ એજન્સીઓના નામે ₹3.18 કરોડ પડાવ્યા
વિજય મુખી અને એડવોકેટ સુધાંશુ ઝાએ ફરિયાદીને જણાવ્યું હતું કે, ઈ.ડી.નો આ કેસ પૂરો કરવા માટે કુલ રકમના 40 ટકા જેટલો ખર્ચ થશે. આ માટે તેણે મુંબઈના પ્રવિણ અને વિરાટ સાથે વેપારીની ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ આ ટોળકીએ ઈ.ડી. મુંબઈ, દિલ્હી સી.બી.આઈ. અને પુણે એ.ટી.એસ.ના નામે જુદા-જુદા વ્યક્તિઓના ટોકન મોકલાવ્યા હતા. આરોપીઓએ આંગડિયા મારફતે તેમજ રોકડા મળીને કુલ 3,18,65,900 રૂપિયા પડાવી લીધા હતા.
બોગસ દસ્તાવેજો બનાવી કોરા ચેક લીધા, વ્યાજ સાથે નોટિસ ફટકારી
ફેબ્રુઆરી 2025માં વિજય મુખીએ ઈ.ડી.માં રજૂ કરવાના બહાને દર્શન વેદની 'અર્થ જ્વેલર્સ' નામની કંપનીનું ફરિયાદીની પેઢીમાં 13.20 કરોડ રૂપિયાનું રોકાણ હોવાનો એક ખોટો નોટરાઇઝડ કરાર (તારીખ 25 ફેબ્રુઆરી 2025) બનાવી સહીઓ કરાવી લીધી હતી અને સાથે કોરા ચેક પણ પડાવી લીધા હતા. દર્શન સાથે ફરિયાદીનો કોઈ જ નાણાકીય વ્યવહાર ન હોવા છતાં, 10મી જાન્યુઆરી 2026ના રોજ દર્શને આ જ બોગસ કરારના આધારે 9 ટકા વ્યાજ સાથે પૈસા માંગતી કાનૂની નોટિસ ફરિયાદીને મોકલાવી દીધી હતી.
અંતે પોલીસ સ્ટેશન પહોંચ્યો મામલો
મહિનાઓ વીતવા છતાં કામ ન થતાં અને છેતરાયા હોવાનો અહેસાસ થતાં ફરિયાદીએ પોતાના પૈસા પરત માંગ્યા હતા. જોકે આરોપીઓએ ગલ્લાંતલ્લાં કરી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. અંતે કંટાળીને ભોગ બનનાર આંગડિયા વેપારીએ તમામ પાંચેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકે સત્તાવાર ગુનો દાખલ કરાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

