Ahmedabadમાં હુમલા બાદ હોમગાર્ડનું નિપજ્યું મોત, પોલીસે કરી બંને આરોપીઓની ધરપકડ

Ahmedabad News: અમદાવાદમાં ગઈકાલે રાત્રે માધુપુર વિસ્તારમાં હોમગાર્ડ પર બે અજાણ્યા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ હોમગાર્ડ પર છરી વડે હુમલો કરવામાં આવતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર અને ઓપરેશન બાદ આજે હોમગાર્ડ જવાનનું મોત નીપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ શરૂ કરી હતી. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે હોમગાર્ડ પર હુમલો કરનાર બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે ગઈકાલે મારામારીનો બનાવ સામે આવ્યો હતો જે હત્યામાં પરિણમ્યો છે. ગઈકાલે રાતના સમયે બદરૂદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિ નામના યુવક યુવતી ત્યાં ઊભા હતા જેના દ્વારા ત્યાં જાવેદ સિઝનલ સ્ટોર પાસે ઉભેલા હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળી સાથે બોલાચાલી થઈ હતી.
હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળી અને બદરૂદ્દીન વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બદરુદિન દ્વારા કિશનને છરીના ઘા માર્યા હતા જેથી કિશન ત્યાંથી નાસી ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઓપરેશન બાદ આજે સવારે તેનું મોત નીપજ્યું હતું. કિશનની હત્યા કરનાર બદરુદિન અને નીલમ પ્રજાપતિને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
બદરૂદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિ થોડા દિવસ પહેલા એક બાઈક ખરીદ્યું હતું જેના કામ માટે તેઓ દિલ્હી દરવાજા પાસે આવ્યા હતા. જે દરમિયાન બદરૂદ્દીન શાહે હોમગાર્ડ કિશનને "મેરી બીબી કે સામને ક્યુ દેખતા હૈ" તેમ કહી ઝઘડો કર્યો હતો. હોમગાર્ડ કિશન દ્વારા તેનો પ્રતિકાર કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં બદ્રૂદીને પોતાની પાસે રહેલી છરી થી હોમગાર્ડ કિશન પર હુમલો કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બદરુદિન અને નીલમ લિવ ઇનમાં રહે છે અને બંને વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. બદરૂદ્દીન વિરુદ્ધ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ચોરી, લૂંટ સહિતના 15 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે તેમજ નીલમ પ્રજાપતિ વિરુદ્ધ પણ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં પાંચ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
આરોપી બદરૂદ્દીન ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં હતો ત્યારે તેની મુલાકાત વીજુ સિંધી નામના આરોપી સાથે જેલમાં થઈ હતી. વીજુ સિંધી અને મહિલા આરોપી નિલમ પ્રજાપતિ એકબીજાથી પરિચિત હતા. જે બાદ આરોપી નિલમ પ્રજાપતિ પણ ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં આવી હતી. થોડા સમય બાદ નીલમ પ્રજાપતિને પાસા હેઠળ સુરત જેલમાં મોકલી દેવાઈ હતી. જેથી વીજુ સિંધીએ તેના મિત્ર બદરુદિનને મહિલા નીલમ પ્રજાપતિનું ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું.
જે બાદ બંને જેલમાંથી છૂટતા એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને સાથે જ રહેતા હતા અને ચોરી, લૂંટ સહિતના ગુનાઓને અંજામ આપતા હતા.હાલ તો પોલીસે મૃતક હોમગાર્ડ જવાન કિસાન શ્રીમાળીના ભાઈની ફરિયાદને આધારે બદરૂદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે ખરેખર હત્યા પાછળનું કારણ કિશન શ્રીમાળી દ્વારા નીલમ પ્રજાપતિની સામે જોવાનું જ છે કે પછી અન્ય કોઈ કારણથી બોલાચાલી અને હત્યા થઈ છે. આ ઉપરાંત બંને આરોપીઓએ શહેરમાં અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

