નીતિન પટેલ જેવા પાટીદાર એ આમ આદમી પાર્ટીમાં આવવું જોઈએ: મનોજ સોરઠિયા
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાનું નિવેદન સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં મનોજ સોરઠિયાએ પોતાના નિવેદનમાં નીતિન પટેલના “આપ આવે કે જાપ” પાટીદાર કોઈના ઝાંસામાં નહીં આવે, આ નિવેદન પર વળતો જવાબ આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતુ કે, "આજે નીતિન પટેલ હવે મહેસૂસ કરે છે, પાટીદાર આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે. ગુજરાતમાં ભાજપના પાપના લીધે આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે. ભાજપે પાટીદાર યુવાનો પર ગોળી વરસાવી હતી."
"નીતિન પટેલ ખુદ ભાજપની પાર્ટીથી નારાજ"
મનોજ સોરઠિયાએ વધુમાં કહ્યું કે, "પાટીદાર ખેડૂત પણ આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે. નીતિન પટેલ ખુદ ભાજપની પાર્ટીથી નારાજ છે. નીતિન પટેલ જાણે છે, ભાજપ એ પહેલા જેવી ભાજપ નથી રહી. નીતિન પટેલ જેવા પાટીદારને આમ આદમી પાર્ટીમાં આવવું જોઈએ. આમ આદમી પાર્ટી તેમને સ્વીકારશે. પાર્ટી કોઈ સમાજની હોતી નથી. આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા જેવો પાટીદાર નેતા છે. ભાજપ અહંકાર છોડી લોકોના કામ કરે તે જરૂરી છે."

