Surat airport પર 1.41 કરોડના હાઈબ્રિડ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ, અગાઉ આરોપીની પત્ની પણ આ કેસમાં પકડાઈ હતી

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં આવેલા ઈસમ પાસેથી રૂ. 1.41 કરોડ નો 4 કિલો હાઈબ્રિડ ગાંજો પકડાયો છે. પોલીસ અને કસ્ટમ વિભાગે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મુંબઈનો આરોપી જાફર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કેરિયર
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.બેંગકોકથી એર ઇન્ડિયા ફ્લાઈટમાં આવેલા મુસાફર જાફરખાન પાસેથી 4 કિલો હાઈબ્રિડ ગાંજો પકડાયો છે, જેની કિંમત રૂ. 1.41 કરોડ થાય છે. ક્રાઈમ બ્રાન્ચ, કસ્ટમ્સ અને CISF ની સંયુક્ત ટીમે કંબલ, ગેમ બોક્સ અને પર્સમાં છુપાવેલા 8 પેકેટ જપ્ત કર્યા છે. મુંબઈનો આરોપી જાફર આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કેરિયર છે અને આરોપી 27 થી 28 વખત વિદેશ પ્રવાસે ગયો છે. તેની પત્ની પણ 2025માં બેંગ્લોર એરપોર્ટ પર 7 કિલો ગાંજા સાથે ઝડપાઈ હતી. એક ખેપના એક લાખ રૂપિયા મળતા હતા. આરોપીની ધરપકડ થતાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીનો પર્દાફાશ થયો છે. આરોપી સામે મુંબઈમાં 2 કેસ નોંધાયા છે, જેમાં મારામારી અને ચોરીનો ગુનો દાખલ થયો છે. આરોપીની વધુ હિસ્ટ્રી માટે મુંબઇ પોલીસ પાસેથી માહિતી મેળવવામાં આવશે.

