ભારતીય અંગદાન દિવસ 2026: ગુજરાતમાં કિડની માટે 8 હજારથી વધુ દર્દીઓ વેઈટિંગ લિસ્ટમાં

રક્તદાનની જેમ અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. એક બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનથી 8 જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં 657 અંગદાતાઓ થકી 2039 અંગોનું દાન પ્રાપ્ત થયું છે, જેના સફળ ટ્રાન્સપ્લાન્ટથી હજારો દર્દીઓને નવી જિંદગી મળી છે. છેલ્લા 5 વર્ષના આંકડા જોઈએ તો રાજ્યમાં સૌથી વધુ 983 કિડની અને 492 લીવરનું દાન મળ્યું છે.
જીવિત વ્યક્તિ કયા અંગોનું દાન કરી શકે?
જીવિત વ્યક્તિ પોતાના જીવન દરમિયાન એક કિડની અને લીવરનો એક ભાગ દાન કરી શકે છે.
અંગદાનના આંકડા અને રાજ્યોની સ્થિતિ
દર વર્ષે 3 ઓગસ્ટના દિવસને ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં અંગદાનનું પ્રમાણ વર્ષ 2014માં 314 હતું, જે વધીને 2022માં 827 થયું હતું. ત્યારબાદ 2023 અને 2024માં વાર્ષિક 900થી વધુ અંગદાન નોંધાયા છે. એકલા 2023ના વર્ષમાં જ મૃતક અંગદાતાઓ થકી 1099 અંગોનું દાન મળ્યું હતું.
વર્ષ 2013થી 2024 દરમિયાન દેશમાં નોંધાયેલા કૂલ અંગદાનમાં 28,056 સાથે દિલ્હી પ્રથમ ક્રમે, 14,137 સાથે તમિલનાડુ બીજા ક્રમે, 11,236 સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે છે, જ્યારે ગુજરાત 5,539 અંગદાન સાથે સાતમા સ્થાને છે. આ સરખામણી દર્શાવે છે કે ગુજરાતમાં અંગદાનની ગતિ પ્રમાણમાં ધીમી છે, છતાં 2019ની સરખામણીએ 2024માં દાનના પ્રમાણમાં બમણાથી વધુનો વધારો જોવા મળ્યો છે.
વર્ષ 2024ની સ્થિતિ મુજબ, દાનમાં મોખરાનું સ્થાન ધરાવતા રાજ્યોમાં 252 સાથે તેલંગાણા, 198 સાથે તમિલનાડુ, 148 સાથે મહારાષ્ટ્ર અને 146 સાથે ગુજરાતનો સમાવેશ થાય છે.
સંમતિ આપવાના પ્રમાણમાં વધારો જરૂરી
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2020થી 2025 દરમિયાન 445 દર્દીઓને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, તેમાંથી માત્ર 223 મૃતકોના પરિવારોએ જ અંગદાન માટે સંમતિ આપી હતી. જો પરિવારો દ્વારા સંમતિ આપવાના આ પ્રમાણમાં વધારો થાય, તો અંગદાનની સ્થિતિમાં મોટો સુધારો આવી શકે તેમ છે. નિષ્ણાતોના મતે ગુજરાતમાં સ્કૂલ અને કોલેજોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવતા સેમિનાર યોજવા અત્યંત જરૂરી છે, કારણ કે અંગદાન કોણ કરી શકે અને કઈ સ્થિતિમાં થઈ શકે તે અંગે હજુ પણ લોકોમાં પૂરતી માહિતી નથી.
અંગદાનની પ્રક્રિયા કેવી રીતે થાય છે?
અંગદાનની સમગ્ર પ્રક્રિયા નીચે મુજબના તબક્કામાંથી પસાર થાય છે:
સંમતિ: વ્યક્તિએ જીવતેજીવ અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હોય અથવા મૃત્યુ બાદ તેના પરિવારજનો દ્વારા લેખિત સંમતિ આપવામાં આવે છે.
બ્રેઈન ડેડ અથવા મૃત્યુની પુષ્ટિ: દર્દી બ્રેઈન ડેડ હોય ત્યારે કાયદાકીય નિયમો મુજબ નિષ્ણાત ડોક્ટરોની ટીમ વિવિધ ટેસ્ટ કરીને બ્રેઈન ડેથ જાહેર કરે છે. હૃદય બંધ થઈ ગયા પછી પણ કેટલીક ચોક્કસ સ્થિતિમાં ટિશ્યુનું દાન શક્ય બને છે.
અંગોની યોગ્યતા ચકાસણી: ડોક્ટરો લોહીના ટેસ્ટ, ચેપની તપાસ અને અંગોની કાર્યક્ષમતા ચકાસીને નક્કી કરે છે કે કયા અંગો દાન માટે યોગ્ય છે.
પ્રાપ્તકર્તાની પસંદગી: અંગ મેળવવા માટે રાહ જોઈ રહેલા દર્દીઓની યાદી, બ્લડ ગ્રુપ, તબીબી કટોકટી, મેચિંગ અને અન્ય વૈજ્ઞાનિક માપદંડોના આધારે યોગ્ય દર્દીની પસંદગી થાય છે.
અંગો કાઢવાની સર્જરી: ઓપરેશન થિયેટરમાં નિષ્ણાત સર્જનો દ્વારા અત્યંત સાવધાનીપૂર્વક અંગો અલગ કરવામાં આવે છે અને ત્યારબાદ મૃતદેહને પૂરા માન-સન્માન સાથે પરિવારને સોંપવામાં આવે છે.
અંગોનું સંરક્ષણ અને પરિવહન: કાઢવામાં આવેલા અંગોને વિશેષ દ્રાવણમાં રાખી, નિયંત્રિત તાપમાને ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સુધી પહોંચાડાય છે. આ માટે ઘણીવાર ઝડપી પરિવહન અર્થે 'ગ્રીન કોરિડોર' બનાવવામાં આવે છે.
પ્રત્યારોપણ: નિષ્ણાત સર્જનો દ્વારા પ્રાપ્તકર્તા દર્દીમાં અંગનું સફળ પ્રત્યારોપણ કરવામાં આવે છે. ત્યારબાદ દર્દીએ લાંબા ગાળાની દવાઓ અને નિયમિત તબીબી તપાસ કરાવવી જરૂરી રહે છે.
ગુજરાતમાં હજારો દર્દીઓ વેઈટિંગમાં
આજે અંગદાન દિવસે ગુજરાતમાં અંગદાન અંગે વધુ વ્યાપક પ્રચારની જરૂરિયાત સામે આવી છે. હાલ રાજ્યમાં કિડની માટે 8 હજાર, લીવર માટે 600 અને હૃદયના ટ્રાન્સપ્લાન્ટ માટે 70થી વધુ દર્દીઓ વેટિંગ લિસ્ટમાં પોતાની વારીની રાહ જોઈ રહ્યા છે.

