VIDEO: Ahmedabadમાં 6 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ, શાળા-કોલેજો જલદી છોડવા નિર્દેશ
દક્ષિણ ગુજરાતમાં પવન અને ગરજ-વીજ સાથે મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. આ દરમિયાન અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ સતત વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે, તો બીજી તરફ સવારના સમયે નોકરી-ધંધે અને સ્કૂલ-કોલેજે જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદ પોલીસ બની 'દેવદૂત'
અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદ વચ્ચે અમદાવાદ શહેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. સરખેજ એલ.જે. કોલેજ: કોલેજ પાસે ભારે પાણી ભરાતાં અટવાયેલા વિદ્યાર્થીઓને સરખેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બસ સ્ટેન્ડ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
પીસી પોઇન્ટ ચાર રસ્તા: બંદોબસ્તમાં હાજર પોલીસે વરસાદમાં ઝાડ નીચે આશ્રય લઈ રહેલી ત્રણ વિદ્યાર્થીનીઓને મદદ કરી સરકારી વાહનમાં તેમના ઘરે ડ્રોપ કરી હતી.
સોનલ ચાર રસ્તા (ગુરુકુળ રોડ): વસ્ત્રાપુર ખાતે સ્કૂલ વાન પાણીમાં ફસાઈ જતાં પોલીસે બાળકો માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરી તેમને સુરક્ષિત રવાના કર્યા હતા. વરસાદી આપત્તિ વચ્ચે શહેર પોલીસના આ સરાહનીય પગલાંથી વાલીઓ અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
6 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ
શહેરમાં આજે (23મી જુલાઈ) સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાક દરમિયાન પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં સૌથી વધુ સરખેજમાં 5.91 ઇંચ અને બોપલમાં 5.89 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જોધપુરમાં 5.73 ઇંચ, બોડકદેવમાં 5.59 ઇંચ, થલતેજ તથા સાયન્સ સિટીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મેમનગર અને મકતમપુરામાં પણ પોણા પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ પડતાં અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.
અમદાવાદ જિલ્લાના માંડલમાં સૌથી વધુ 1.69 ઈંચ વરસાદ
આજે સવારે 6થી 10 વાગ્યા દરમિયાન અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો. જેમાં સૌથી વધુ માંડલમાં 1.69 ઈંચ, ધંધુકામાં 1.10 ઈંચ, વિરમગામમાં 1.06 ઈંચ અને દેત્રોજ-રામપુરામાં 1.02 ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં 0.59 ઈંચ જ્યારે ધોળકા, સાણંદ અને બાવળામાં હળવો વરસાદ પડ્યો હતો, જ્યારે દસક્રોઈ અને ધોલેરામાં નહિવત વરસાદ રહ્યો હતો.
લોકોને આ રૂટ પર નહીં જવા અપીલ

શાળાઓમાં પાણી ભરાયા હોય તો રજા કે નિર્ણય લેવા DEOની સૂચના
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે સિટી DEOએ સ્પષ્ટ જણાવ્યું છે કે, 'જે વિસ્તારો કે શાળાઓમાં પાણી ભરાયા હોય ત્યાં શાળા સંચાલકો પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણય લઈ શકે છે. વિદ્યાર્થીઓની સલામતી સૌથી અગત્યની બાબત હોવાથી તેમણે કોઈ જોખમ ન ખેડવું પડે તે માટે અગાઉ કરેલા પરિપત્રની તમામ શાળાઓને પુનઃ જાણ કરવામાં આવી છે.'

S G હાઈવે પર ભારે ટ્રાફિક જામ
શહેરના S.G. હાઈવે પર થલતેજથી ઇસ્કોન તરફના માર્ગે સવારથી જ વિરાટ ટ્રાફિક જામ સર્જાયો છે. ઇસ્કોન બ્રિજ ઉતરીને કર્ણાવતી ક્લબ તરફ નવી કામગીરી અને YMCA ચાર રસ્તા પાસે પાણી ભરાવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી છે. વરસાદી માહોલ વચ્ચે કામ-ધંધે નીકળેલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
વરસાદના કારણે વિદ્યાર્થીઓ સુરક્ષા સંદર્ભે ખાસ કાળજી લેવી
•વરસાદની પરિસ્થિતિ અનુસાર આચાર્યએ યોગ્ય નિર્ણય લેવો.
•જો કોઈ વિદ્યાર્થીઓ નદી નાળા પાર કરીને આવતા જતા હોય તો વિદ્યાર્થી કે વાલીને ફોન કરી યોગ્ય જાણ કરશો.
•શક્ય હોય તો વાલીને જાણ કરી વિદ્યાર્થીઓને લેવા મૂકવા માટે જણાવશો.
•શાળામાં ક્યાંય ખુલ્લા વાયર ન હોય તેની ચકાસણી કરશો.
•વિદ્યાર્થીઓને શાળામાં ઈલેક્ટ્રોનિક ગેઝેટથી દૂર રાખશો.
•જે શાળામાં બસની સુવિધા છે તે આચાર્ય ડ્રાઈવરને ખાસ સૂચના આપશો કે નદી કે નાળા પરથી પાણી પસાર થતું હોય તો બસ પસાર ન કરવી.
•શાળામાં પાણી ભરાય તો તાત્કાલિક નિકાલ થાય તેવી વ્યવસ્થા કરશો.
•જો કોઈ ઘટના બને તો તુરંત કચેરીને જાણ કરશો.

