Ahmedabad news: જમાલપુર પાસે ગાર્બેજ કલેકશનના ડ્રાયવરે અન્ય વાહનોને અડફેટે લેતા એકનું મોત, આરોપીની અટકાયત
Ahmedabad news: અમદાવાદના જમાલપુર પગથિયા પાસે અકસ્માતમાં એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આજે વહેલી સવારે 7.30 વાગ્યાની આસપાસ ગાર્બેજ કલેક્શન વાનના ડ્રાયવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અનેક વાહનોને અડફેટે લીધા હતા. જેમાં મોહમ્મદ યાસીન બરફવાલાને ગંભીર ઈજાઓ થતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બેથી ત્રણ વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ અંગે ઘટનાની જાણ પોલીસને કરતા ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ ડ્રાઈવરની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીનું નામ રાહુલ પરમાર છે. જે સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો પરંતુ ગાર્બેજ વાન રોડ પર પડી હોવાથી ટ્રાફિક ન થાય તે માટે સાઈડમાં લેવા જતા આ અકસ્માત સર્જાયો છે. જોકે તેનું એવું પણ કહેવું છે કે ડ્રાઇવિંગ સમયે તેને ચક્કર આવી ગયા હતા.જેની સારવાર પણ ચાલી રહી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે મનુષ્ય વધનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે

