Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Murderous game played in Danilimda; Friend killed in family feud

Ahmedabadના દાણીલીમડામાં ખેલાયો ખૂની ખેલ; કૌટુંબિક અદાવતમાં મિત્રને પતાવી દેવાયો, આરોપી ફરાર

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabadના દાણીલીમડામાં ખેલાયો ખૂની ખેલ; કૌટુંબિક અદાવતમાં મિત્રને પતાવી દેવાયો, આરોપી ફરાર
સોર્સ : gstv

અમદાવાદના દાણીલીમડામાં આજે (19મી મે) વહેલી સવારે હત્યાની એક ચોંકાવનારી અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં બે પાકા મિત્રો વચ્ચે ચાલી રહેલી કૌટુંબિક અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવાને પોતાના જ ખાસ મિત્ર પર છરી વડે તૂટી પડીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. ધોળા દિવસે જાહેર મેદાન નજીક બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

App Store

સામાન્ય બોલાચાલી જોતજોતામાં ખૂની ખેલમાં ફેરવાઈ

મળતી માહિતી અનુસાર, જુહાપુરા વિસ્તારમાં રહેતો અમન પઠાણ અને દાણીલીમડાના ફૈઝલ નગરમાં રહેતો અરબાઝ મણિયાર ગાઢ મિત્રો હતા. જો કે, છેલ્લા કેટલાક સમયથી બંનેના પરિવારો વચ્ચે કોઈ અંગત કારણોસર ભારે મનદુઃખ અને અદાવત ચાલી રહી હતી. આજે (19મી મે) વહેલી સવારે આ બંને મિત્રો ફૈઝલનગરના મેદાન પાસે ભેગા થયા હતા. શરૂઆતમાં બંને વચ્ચે પારિવારિક બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી, પરંતુ ઉશ્કેરાટ વધતાં મામલો બિચક્યો હતો. રોષે ભરાયેલા અરબાઝે અચાનક પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢી અમન પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.

સારવાર મળે તે પહેલાં જ અમનનું મોત, આરોપી ફરાર

છરીના ઘા વાગતાં જ અમન લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. તેને તડપતો છોડીને આરોપી અરબાઝ મણિયાર ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આસપાસના લોકોએ ગંભીર રીતે ઘવાયેલા અમનને તાત્કાલિક સારવાર અર્થે મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, શરીરમાંથી વધુ પડતું લોહી વહી ગયું હોવાથી અને ઊંડા ઘા હોવાના કારણે સારવાર કારગત નીવડે તે પહેલાં જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

દાણીલીમડા પોલીસે હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા

આ લોહિયાળ જંગ અંગે કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરાતા દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ (પોલીસ ઇન્સ્પેક્ટર) સહિતનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને બાદમાં હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે મૃતક અમન પઠાણના પરિવારજનોની સત્તાવાર ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં ફરાર થઈ ગયેલા હત્યારા અરબાઝ મણિયારને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તેના સંભવિત આશ્રયસ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે.