'પંપ પર 'નો સ્ટોક'ના પાટિયા, રૂ.1000ની લિમિટ', ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારાથી વાહનચાલકો પરેશાન

ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગણતરીના દિવસોમાં ચોથી વખત વધારો ઝીંકવામાં આવતા સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. એક તરફ ભાવવધારાનો આકરો માર છે, તો બીજી તરફ કેટલાક પેટ્રોલ પંપો પર ઈંધણ ના હોવાના પાટિયા લાગી ગયા છે. ડીઝલના વેચાણ પર માત્ર 1000 રૂપિયાની મર્યાદા લાદવામાં આવતા વાહનચાલકોની હાલાકી બેવડાઈ છે.
એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરવા માંગ
આંતરરાષ્ટ્રીય બજાર અને યુદ્ધના કારણો વચ્ચે લોકો સરકારની નીતિઓ અને ખાસ કરીને ચૂંટણી પછી તરત જ થયેલા આ વધારા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. જોકે, નાગરિકો દેશહિતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને સમજે છે અને સાથ આપવા પણ તૈયાર છે. પરંતુ સતત વધતા ખર્ચા અને સ્થિર આવક વચ્ચે પિસાઈ રહેલા મધ્યમ વર્ગને રાહત આપવા માટે સરકાર તાત્કાલિક એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરે તેવી લોકોમાંથી પ્રબળ માંગ ઊઠી રહી છે.
આ ભાવ વધારા અંગે લોકોની પ્રતિક્રિયા
વાહનચાલક ઉમેશભાઈએ જણાવ્યું કે, 'સરકાર કહે છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટના લીધે ભાવ વધે છે, પરંતુ ખરેખર તો જ્યારે ચૂંટણી હોય કે સરકાર પક્ષી માહોલ હોય ત્યારે ભાવ નિયંત્રણમાં રહે છે અને ચૂંટણી પત્યા પછી એક જ અઠવાડિયામાં ચાર-ચાર વાર ભાવ વધારવામાં આવે છે. અત્યારે ભારતની જિયોપોલિટિકલ સ્થિતિ ભલે ગમે તે હોય. પરંતુ સરકારની અમુક નીતિઓમાં પણ મને ખોટ દેખાય છે અને પેટ્રોલ પંપ પર ચાલતી કાળાબજારી પર સરકારે ખાસ ધ્યાન આપવું જોઈએ. પીએમ એ જે અપીલ કરી છે, તે પ્રમાણે અમે દેશની આ મહામારી અને મુસીબતમાં સાથ આપવા તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા તૈયાર છીએ, પરંતુ સામાન્ય માણસની આવક એની એ જ છે અને સામે ખર્ચા સતત વધી રહ્યા છે.'
રાહદારીઓનું કહેવું છે કે, 'ટ્રાન્સપોર્ટેશન અને અન્ય કોઈ પણ કામધંધા માટે પેટ્રોલ-ડીઝલ ખૂબ જ જરૂરી વસ્તુ છે, અને તેમાં ભાવ વધવાથી સામાન્ય માણસના ખિસ્સા પર ખૂબ જ મોટો બોજો પડી રહ્યો છે. સામાન્ય જનતાને એક્સાઇઝ ડ્યુટી અને વેટ અંગે ઊંડું જ્ઞાન નથી હોતું. પરંતુ અમે એટલું જ ઈચ્છીએ છીએ કે સરકાર મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને તેમને અનુકૂળ કાયદા અને એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરે. જો મારી સામે દેશના વડાપ્રધાન અને નાણામંત્રી ઊભા હોય, તો હું તેમને એક જ પ્રશ્ન પૂછીશ કે તમે એક અઠવાડિયું મધ્યમ વર્ગીય પરિવારની જગ્યાએ આવીને જુઓ કે તેઓ કેવી રીતે સંઘર્ષ કરી રહ્યા છે. તમે આ વસ્તુ ખુદ અનુભવશો તો જ તમને ખબર પડશે કે મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લીધે મધ્યમ વર્ગની હાલત અત્યારે કેટલી કફોડી બની ગઈ છે.'
'સરકારે વેટ ઓછો કરવો જ જોઈએ'
પેટ્રોલ પંપ ઉપર વાહનચાલકો કહી રહ્યા છે કે,'અત્યારે જે ભાવ વધી રહ્યા છે તે યુદ્ધના સંજોગો અને ક્રૂડ ઓઈલ લાવવા માટેના સમુદ્રી માર્ગો બંધ હોવાના કારણે છે. ટેક્સના પૈસાથી દેશમાં રોડ-બ્રિજ બને છે એ સાચું, પરંતુ દેશ માટે થોડું સહન કરતી જનતા પર બોજો વધે ત્યારે સરકારે વેટ ઓછો કરવો જ જોઈએ. મને એ વાતનો અફસોસ છે કે ચૂંટણી સમયે નેતાઓએ કશું ન કીધું અને રિઝલ્ટ આવ્યા પછી તરત જ આ પ્રકારના સ્ટેટમેન્ટ આપી રહ્યા છે.'
ઘણાં વાહન ચાલકો કહે છે કે, પેટ્રોલ પંપ ઉપર વાહનની ટાંકી ફૂલ કરાવવા આવ્યો હતો પણ મને પંપ પરથી માત્ર 1000 રૂપિયાનું જ ડીઝલ મળ્યું. લાંબા અંતર સુધી માલ સામાનની હેરફેર કરવાની હોય ત્યારે પૂરું ઇંધણ ન મળવાથી ધંધો ખોરવાયો છે. જો કોઈ માણસ 20,000 રૂપિયા કમાતો હોય તો તેમાંથી 7-8 હજાર તો માત્ર પેટ્રોલ-ડીઝલમાં જતા રહે છે. ગેસના ભાવ પણ એટલા વધી ગયા છે કે સામાન્ય માણસનું પિક્ચર જ પૂરું થઈ ગયું છે.'
ગંભીર આર્થિક કટોકટી તરફ આગળ વધતી સ્થિતિ
ટ્રાન્સપોર્ટેશન અને રોજિંદા કામધંધા માટે પેટ્રોલ-ડીઝલ પાયાની જરૂરિયાત છે. તેના ભાવ વધવાથી શાકભાજીથી લઈને તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થવાની આશંકા સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે સતત ઘેરાઈ રહેલી જનતાની બૂમ સાંભળીને કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સના દરમાં કોઈ ઘટાડો કરે છે કે મધ્યમ વર્ગે આ મોંઘવારીની આગમાં હજુ વધુ હોમાવવું પડશે.

