VIDEO: અમદાવાદમાં ભરઉનાળે ચોમાસું: વસ્ત્રાલમાં કરા સાથે માવઠું, શહેર પર 'ઓરેન્જ એલર્ટ'નું સંકટ
VIDEO/Ahmedabad Rain: ગુજરાતમાં ભરઉનાળે અમદાવાદ અને સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં આજે(3 એપ્રિલ, 2026) કમોસમી વરસાદ થયો છે. હવામાન વિભાગે આજે શુક્રવારે અને આગામી 7 એપ્રિલે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. તેવામાં અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવતા કેટલાક વિસ્તારોમાં માવઠું થયું છે.
અમદાવાદમાં પવન અને કરા પડવાની સાથે કમોસમી વરસાદ
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે સિસ્ટમ એકસાથે સક્રિય થતા વાતાવરણમાં પલટો આવ્યો છે. આ દરમિયાન અમદાવાદના પૂર્વ વસ્ત્રાલ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ થયો છે.
અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ(IMD) દ્વારા આજે શુક્રવારે(3 એપ્રિલ) સાંજે 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાત્રે 10 વાગ્યા સુધી અમદાવાદ સહિત કુલ 7 જિલ્લાઓમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ અને ઝડપી પવન ફૂંકાવવાની શક્યતાને લઈને 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યના અન્ય 19 જિલ્લાઓમાં હળવા કમોસમી વરસાદ અને વીજળીના કડાકા-ભડાકાની શક્યતાને પગલે 'યેલો એલર્ટ' છે.

