Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Millionaires traced from Surat to Ahmedabad: Ritual gharghati arrested with Rs 35 lakh issue

સુરતથી અમદાવાદ સુધી કરોડપતિઓને બનાવ્યા નિશાન: 35 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો શાહીબાગનો રીઢો ઘરઘાટી

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સુરતથી અમદાવાદ સુધી કરોડપતિઓને બનાવ્યા નિશાન: 35 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો શાહીબાગનો રીઢો ઘરઘાટી
સોર્સ : gstv

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે માત્ર કરોડપતિઓના ઘરમાં ઘરઘાટી તરીકે નોકરી મેળવીને લાખો રૂપિયાની ચોરી કરતા એક રીઢા ગુનેગારને ઝડપી પાડીને 35 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. શાહીબાગ વિસ્તારમાં રહેતા કાપડના એક વેપારીના ઘરે ગત 29મી ઓગસ્ટે કમલેશ નામનો નોકર ઘરમાં કોઈ ન હોવાની તકનો લાભ ઉઠાવીને તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ લઈને ફરાર થઈ ગયો હતો. જેની તપાસ કરતા આ શખસ અગાઉ સુરતમાં 50 લાખ રૂપિયાથી વધુની 7 જેટલી મોટી ચોરીઓમાં સંડોવાયેલો અને પોલીસથી બચવા છેક નેપાળ બોર્ડર સુધી ભાગી ગયેલો કુખ્યાત જયંતીલાલ ઉર્ફે વિનોદ ખેતમલ જૈન હોવાનું ખૂલ્યું છે.

App Store

મીઠી અને નમ્ર વાતોથી શેઠિયાઓનો વિશ્વાસ જીતીને નોકરી મળ્યાના ગણતરીના કલાકોમાં જ લાખોનો હાથફેરો કરવામાં માહેર આ ચોર પોતાની ચોરીના રૂપિયામાંથી અમુક હિસ્સો મંદિરમાં દાન આપતો હોવાનું અને અગાઉ વર્ષ 2019માં પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

કમલેશ નામ ધારણ કરી વેપારીના ઘરે ચોરી કરી, પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

29મી ઓગસ્ટે શાહીબાગ વિસ્તારમાં રહેતા અને કાપડનો વેપાર કરતા એક વેપારીના ઘરે કામ કરતા ઘરઘાટીએ લાખો રૂપિયાની ચોરી કરી હોવાનો બનાવ બન્યો હતો. એ દિવસે બપોરના સમયે ઘરમાં કોઈ હાજર ન હતું ત્યારે કમલેશ નામનો આ નોકર બેડરૂમની તિજોરીમાંથી દાગીના અને રોકડ રકમ ચોરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ મદદથી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કમલેશના નામે કામ કરતો આ શખસ અગાઉ પણ નોકર ચોરીના ગુનામાં પકડાયેલો રીઢો ગુનેગાર જયંતીલાલ ઉર્ફે વિનોદ ખેતમલ જૈન છે. જેને ઝડપી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોનાના દાગીના અને રોકડ મળી 35.06 લાખનો મુદ્દામાલ કબજે, અગાઉ ચોરીમાં ઝડપાયો હતો

મળતી માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના જોધપુર જિલ્લાના ડેચુ ગામના વતની 33 વર્ષીય આરોપી જયંતીલાલ ઉર્ફે કમલેશ ઉર્ફે રમેશ જૈનની ધરપકડ કરીને તેની પાસેથી 33,52,563 રૂપિયાના સોનાના દાગીના, 1,43,800 રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન સહિત કુલ 35,06,363 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપીનો ગુનાઈત ઈતિહાસ રહ્યો છે. તે અગાઉ સુરત શહેરના ખટોદરા તથા ઉમરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ચાર જેટલા ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે. આ ઉપરાંત વર્ષ 2019માં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે આરોપી અને મુદ્દામાલ વધુ તપાસ માટે શાહીબાગ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

કરોડપતિઓના ઘરે નોકર બની વિશ્વાસ જીતતો, કલાકોમાં લાખોની ચોરી કરી ફરાર થઈ જતો

પોલીસના જણાવ્યાનુસાર, અગાઉ જયંતીલાલ ઉર્ફે વિનોદ ખેતમલ માત્ર કરોડપતિઓના ઘરમાં જ ઘરઘાટી તરીકે નોકરી મેળવીને ચોરી કરતો હતો. તે ખૂબ જ નમ્ર ભાષાનો ઉપયોગ કરીને અને માલિકના વતનની ખોટી ઓળખ આપીને મોટા શેઠિયાઓનો વિશ્વાસ જીતી લેતો હતો અને નોકરી મળ્યાના ગણતરીના કલાકોમાં જ લાખોની ચોરી કરીને ફરાર થઈ જતો હતો. તેણે અલથાણ ખાતે કાપડના વેપારીના ઘરે નોકરી શરૂ કર્યાના માત્ર 5 જ કલાકમાં 40 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. જ્યારે વેસુના હેપ્પી એક્સેલેન્સિયામાં રહેતા પ્રોપર્ટી વ્યવસાયીના ઘરેથી 56 લાખ રૂપિયા રોકડા ચોરીને ટ્રોલી બેગમાં ભરીને સાયકલ પર ભાગી ગયો હતો.

ચોરીના પૈસાથી મંદિરમાં દાન કરતો અને જામીન માટે મિત્રોને હિસ્સો આપતો

આમ તેમે 7 જેટલી મોટી ચોરીઓ કરી છે. જેમાં મોટાભાગની 50 લાખ રૂપિયાથી વધુની રકમની હતી અને તે અગાઉ 2009, 2011, 2016, 2018 અને 2020માં પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. ભૂતકાળમાં તેણે ઘોડદોડ રોડ પર એક ડેવલપરના ઘરમાંથી 50 લાખની મત્તા ચોરી હતી. જેમાં તે છેક નેપાળ બોર્ડર પરથી પકડાયો હતો, જ્યારે સિટી લાઈટ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને ચપ્પુની અણીએ ધમકાવીને ઘરેણાં લૂંટી લીધા હતા અને એક માલિકને પોતાના દાઉદ સાથે સંબંધ હોવાની ધમકી પણ આપી હતી. પોલીસને ચકમો આપવામાં માહેર આ 26 વર્ષીય ચોર પોતાની ચોરીના રૂપિયામાંથી અમુક ભાગ અમદાવાદના એક મંદિરમાં દાન કરતો હતો અને પકડાય ત્યારે પોતાના જામીનની વ્યવસ્થા કરવા માટે તેના વતનના મિત્રોને પણ ચોરીનો અમુક ભાગ આપતો હતો.

ટોપિક્સ:GSTV NewsGujarati News