ગુજરાત યુનિવર્સિટીમાં મહાકૌભાંડ! પૂર્વ VC નીરજા ગુપ્તા સામે હાઈકોર્ટના પૂર્વ જજ કરશે તપાસ

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા દ્વારા ભરતી કૌભાંડ અને PMJVK ફ્રોડ કર્યાના વિવાદ મામલે યુનિવર્સિટીએ તપાસ કમિટીની રચના કરી છે. જેમાં ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જજની એક સભ્યની તપાસ કમિટી તરીકે નિમણૂક કરવામાં આવી છે. પૂર્વ VC નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન કથિત અનિયમિત નિમણૂકો, યુનિવર્સિટીની ભંડોળનો અનધિકૃત ઉપયોગ, સત્તાનો દુરુપયોગ, PMJVK ગ્રાન્ટ્સ સહિતના મુદ્દે થયેલી ગેરરીતિ મામલે કમિટી દ્વારા તપાસ કરાશે. આ પછી 3 મહિનાની અંદરમાં કમિટી દ્વારા રિપોર્ટ અપાશે.
ગેરકાયદે નિમણૂકો અને ઉંચા પગારનો આક્ષેપ
મળતી માહિતી અનુસાર, નીરજા ગુપ્તાએ કાર્યભાર સંભાળ્યા બાદ UGCના નિયમોની અવગણના કરીને પોતાના મળતિયા એવા 10 લોકોને ડિરેક્ટર જેવા ઉચ્ચ પદો પર ગોઠવી દીધા હતા. આ લોકોને કુલપતિના પોતાના પગાર કરતા પણ વધુ મહેનતાણું વિદ્યાર્થીઓની ફીના નાણાંમાંથી ચૂકવવામાં આવતું હોવાનો દાવો પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઈન્દ્રવિજયસિંહ ગોહિલે કર્યો છે.
આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અંતર્ગત મળેલી 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટના દુરુપયોગની છે. આ પ્રોજેક્ટમાં નીરજા ગુપ્તાએ પોતાને જ પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર નિમીને નિયમિત પગાર ઉપરાંત 4.20 લાખ રૂપિયાનું ભથ્થું મેળવી લીધું હતું. આ ઉપરાંત, ગ્રાન્ટ ખાતામાંથી 9.84 લાખ રૂપિયા તેમના જર્મની સ્થિત પુત્રના ખાતામાં ટ્રાન્સફર કરાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલમાં 40 કરોડ રૂપિયામાંથી 50 ટકાથી વધુ રકમનો કોઈ જ હિસાબ યુનિવર્સિટી પ્રશાસન પાસે ઉપલબ્ધ નથી.
ઇન્ચાર્જ કુલપતિએ શું કહ્યું?
ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, 'ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ એક સભ્યની તપાસ કમિટીની રચના કરી છે. જેમાં નિવૃત જજ દીપક વ્યાસ દ્વારા તપાસ કરવામાં આવશે. સમિતિ દ્વારા નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરાશે. કથિત અનિયમિત નિમણૂક, ભંડોળનો ઉપયોગ, સત્તાનો દુરુપયોગ, PMJVKની ગ્રાન્ટ બાબતની તપાસ કરવામાં આવશે. સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય દસ્તાવેજો અને નિમણૂકોની તપાસ કરવાનો રહેશે. 3 મહિનામાં તપાસ કમિટી રિપોર્ટ રજૂ કરશે.'
10 કર્મચારીઓ સસ્પેન્ડ, તપાસ કમિટીની રચના
ચારે તરફથી ભારે હોબાળો મચ્યા બાદ યુનિવર્સિટી પ્રશાસને ગેરકાયદે રખાયેલા તમામ 10 કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. સમગ્ર મામલાની તપાસ માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કસૂરવારોને ટર્મિનેટ કરી નાણાંની વસૂલાત કરવામાં આવશે.

