Ahmedabadના નિકોલ-કઠવાડામાં સીલ મારેલા ગેરકાયદે શેડ-ગેરેજ ફરી ધમધમવા લાગ્યા, તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ

અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામો અને દબાણો સામે ઝીરો ટોલરન્સની નીતિ અને કડક કાર્યવાહીનો દાવો કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પોલ નિકોલ અને કઠવાડા વિસ્તારમાં ખુલ્લી પડી ગઈ છે. પૂર્વ ઝોનના આ વિસ્તારોમાં તંત્ર દ્વારા કાયદેસરની નોટિસો આપીને જે મિલકતો પર સીલ મારવામાં આવ્યા હતા, ત્યાં તંત્રની રહેમનજર હેઠળ અથવા તો કાયદાના ડર વિના સીલ તોડીને ફરીથી ધમધમાટ કોમર્શિયલ પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિક રહીશો દ્વારા આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પારદર્શક તપાસની માંગ કરવામાં આવી છે.
ખેતીલાયક જમીન પર NA વગર જ પતરાના શેડ અને ગેરેજનો રાફડો
મળતી માહિતી અનુસાર, નિકોલ વિસ્તારમાં 1, 2 અને 3 ના નવા વિકસિત થઈ રહેલા વિસ્તારોમાં કાયદાના લીરેલીરા ઉડાડીને ગેરકાયદે બાંધકામોનો મોટો રાફડો ફાટ્યો છે. ખાસ કરીને નિકોલના ભક્તિ સર્કલ નજીક આવેલા પેટ્રોલ પંપ સામેના પ્રીમિયમ વિસ્તારમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી રહી છે. અહીંની ખેતીલાયક જમીન પર કોઈ પણ પ્રકારની બિનખેતી (Non-Agricultural - NA) મંજૂરી લીધા વિના જ રાતોરાત પતરાના વિશાળ શેડ, કમર્શિયલ ગેરેજ અને મોટી-મોટી ખાણી-પીણીની બજારો ઊભી કરી દેવામાં આવી છે.
AMCની નોટિસની અવગણના
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યાનુસાર, તંત્ર દ્વારા અગાઉ ફરિયાદોના આધારે આ ગેરકાયદે કોમર્શિયલ એકમો સામે કલમ 260, 260(1) અને 260(2) હેઠળ નોટિસો ફટકારીને સીલિંગની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાના મોટા-મોટા દાવા કરાયા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે સીલની અવગણના કરીને હાલમાં આ તમામ એકમો ધંધાકીય વપરાશ અને આર્થિક પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલુ રાખવામાં આવી છે.
દબાણને કારણે ઉદ્ભવતી સમસ્યાઓ
ગેરકાયદે ધમધમતા ગેરેજ અને ખાણી-પીણીના સ્ટોર્સના કારણે કઠવાડા-નિકોલના મુખ્ય રસ્તાઓ પર ગેરવ્યવસ્થિત પાર્કિંગ થાય છે, જેના લીધે પીક અવર્સમાં અસહ્ય ટ્રાફિક જામ સર્જાય છે. ચોંકાવનારી બાબત એ છે કે જે બાંધકામો કાયદેસર નથી, ત્યાં ગટર, પાણી અને કોમર્શિયલ વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ કઈ પ્રક્રિયા હેઠળ અને કોની મંજૂરીથી ઉપલબ્ધ કરાવી દેવાઈ, તે પણ એક મોટો સવાલ છે. ફરિયાદો બાદ તંત્ર માત્ર થોડા દિવસો માટે જ જાગે છે અને લાંબા ગાળે સ્થિતિ 'જૈસે થે' થઈ જાય છે, જેથી કાયદાની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠ્યા છે.
તંત્રનો લૂલો બચાવ!
બીજી તરફ, કોર્પોરેશનના પૂર્વ ઝોનના અધિકારીઓ સત્તાવાર રીતે એવો જ બચાવ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે દબાણ હટાવ ઝુંબેશ અને મિલકત સીલ કરવામાં આવે જ છે અને નિયમવિરોધી બાંધકામો સહેજ પણ ચલાવી લેવાશે નહીં.
જો કે, સ્થાનિકોનું સ્પષ્ટ માનવું છે કે જો સીલ માર્યા બાદ પણ જે-તે સ્થળ પર પ્રવૃત્તિ ચાલુ રહેતી હોય, તો સરકારી સીલ તોડવા બદલ જવાબદાર ભૂમાફિયાઓ અને તત્વો સામે તાત્કાલિક ફોજદારી ગુનો (FIR) દાખલ કરીને કડક જેલ ભેગા કરવા જોઈએ. હવે જોવાનું એ રહેશે કે ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓ આમાં હસ્તક્ષેપ કરીને ક્યારે કડક મોનિટરિંગ શરૂ કરાવે છે.

