VIDEO: જગન્નાથજીની રથયાત્રામાં અમદાવાદ પોલીસ દ્વારા પ્રથમ વખત 'નેત્રવાન'થી સજ્જ હાઈ-ટેક સુરક્ષા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વર્ષે રથયાત્રામાં પ્રથમ વખત આધુનિક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાસ 'નેત્રવાન' તૈનાત કરવામાં આવ્યું છે. આ નેત્ર વાનમાં લગાવેલા 360 ડિગ્રી કેમેરાની મદદથી સમગ્ર રૂટ પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ હાઈ-ટેક સિસ્ટમ દ્વારા વાહનોના RTO નંબર અને આસપાસની તમામ ગતિવિધિઓનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક મોબાઇલ કમાન્ડ એન્ડ કંટ્રોલ વાહન પણ તૈનાત કરાયું છે. આ વાહનો દ્વારા અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ, DGP કંટ્રોલ રૂમ અને સીધા CM ઓફિસને લાઈવ ફીડ મોકલવામાં આવશે, જેથી સમગ્ર રથયાત્રા દરમિયાન હાઇ-ટેક સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે સક્રિય રહેશે.

