VIDEO: નાના ચિલોડામાં નાસીરનગર જેવું ‘ભૂતિયા’ ડિમોલિશન! કોર્પોરેશનની જાણ બહાર 3 દુકાનો તોડી પડાઈ
અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં સુરતના નાસીરનગર જેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાના ચિલોડા નજીક ત્રણ દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે. આશ્ચર્યની વાત એ છે કે આ કાર્યવાહી કોર્પોરેશનના નામે કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું સામે આવ્યું છે. AMCના સત્તાધીશોએ જણાવ્યું છે કે જે કોઈપણ વ્યક્તિ કોર્પોરેશનના નામે ડિમોલેશન કર્યું હશે, તે તમામ સામે કાર્યવાહી થશે અને કોર્પોરેશનને ડીમોલેશન સાથે કોઈ લેવા દેવા નથી.
કોર્પોરેશન દ્વારા ડિમોલેશન ના કરાયું હોવાની સ્પષ્ટતા કરાઇ છે. ત્યારે સત્તાવાર મંજૂરી કે કાર્યવાહી વિના કોર્પોરેશનના નામે ત્રણ દુકાનો કોણે તોડી નાખી તે મોટો સવાલ ઉભો થયો છે. જો કે AMC દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. ઘટનાને લઈને સ્થાનિકોમાં અનેક તર્કવિતર્ક ચાલી રહ્યા છે. કોર્પોરેશનના નામનો ઉપયોગ કરીને કોઈએ કાર્યવાહી કરી છે કે પછી સમગ્ર મામલે અન્ય કોઈ કારણ છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ દુકાનોનું ડિમોલિશન કોણે કર્યું અને કયા આદેશના આધારે કર્યું તે અંગે જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે.

