Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat ST Corporation has a debt of over Rs 4,000 crore

ગુજરાત ST નિગમ પર 4,000 કરોડથી વધુનું દેવું; લોન, પગાર અને પેન્શન પાછળ ખર્ચ વધતા આર્થિક કટોકટી

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાત ST નિગમ પર 4,000 કરોડથી વધુનું દેવું; લોન, પગાર અને પેન્શન પાછળ ખર્ચ વધતા આર્થિક કટોકટી
સોર્સ : AI IMAGE

એસટી બસ એ શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ ઉપરાંત નોકરિયાતો સહિત લાખો મુસાફરોની અવરજવરનું માધ્યમ બની રહ્યું છે. હવે એસટી નિગમ ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. ખાનગી ટ્રાવેલ્સ બસો-વાહનોની હરિફાઈ સામે એસટી બસ જાણે હાંફી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આજે એસટી નિગમની આર્થિક પરિસ્થિતિ એટલી કથળી છે કે, દેવાનો આંકડો 4 હજાર કરોડ રૂપિયાને વટાવી ગયો છે.

App Store

એસટી નિગમનો લોન, પગાર અને પેન્શન પાછળ વધુ ખર્ચ

ગુજરાત એસટી બસોમાં 25-27 લાખ મુસાફરો રોજિંદી અવરજવર કરે છે. આ જોતાં એસટીની અંદાજે દોઢેક કરોડની રોજની આવક રહી છે. હાલ નવી ડિઝાઈન ધરાવતા એસટી બસ સ્ટેશન જ નહીં, વિવિધ સુવિધાઓથી સજ્જ નવી બસો પણ મુસાફરો માટે આકર્ષણ જમાવી રહી છે. ઓનલાઈન ટિકિટિંગની સુવિધા સાથે નિગમ એસટીની આવક વધારવાના પ્રયાસો કરી રહ્યું છે તેમ છતાંય ખોટ બરકરાર રહી છે. વિધાનસભામાં રજૂ કરાયેલા એસટી નિગમના વાર્ષિક અહેવાલમાં ઉલ્લેખ કરાયો છે કે, ગુજરાત એસટી નિગમની કુલ ખોટ 4495 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. માત્ર વર્ષ 2021-22માં જ એસટીને એક જ વર્ષમાં 403 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી.

એસટીની આ આર્થિક ખોટ પાછળ વિવિધ રૂટ પર પેસેન્જરની ઘટ પણ એક જવાબદાર પરિબળ રહ્યું છે. સાથે સાથે ખાનગી ટ્રાવેલ્સ સાથેની હરિફાઈ ઉપરાંત વધતા જતા ઓપરેશનલ ખર્ચને કારણે એસટી નિગમ સતત ખોટમાં ચાલી રહ્યું છે. નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અને કાર્યરત કર્મચારી-સ્ટાફના પગાર પાછળ થતો મોટો ખર્ચ પણ નિગમની આર્થિક સ્થિતિ બગાડવામાં મહત્ત્વનું કારણ છે. રાજકીય ભલામણ આધારે શરૂ કરાયેલા એસટી બસોના કેટલાય રૂટો નિગમને પરવડે તેમ નથી.

એસટીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર-બસો સહિત અન્ય ખર્ચ માટે નિગમે કુલ  3573 કરોડ રૂપિયાની લોન લીધી છે. આ ઉપરાંત 2384 અકસ્માતના દાવા કોર્ટમાં પેન્ડિંગ છે આ જોતાં 378 કરોડ રૂપિયા ચૂકવવા પડે તેવી સ્થિતિ છે. એસટી નિગમે ડિઝલના ભાવવધારા સામે સમયાંતરે બસ ભાડું પણ વધાર્યું છતાં આર્થિક ખોટ ભરપાઈ કરવી મુશ્કેલ બની રહી છે. જો આજ પરિસ્થિતિ રહી તો, એસટી નિગમની ખોટમાં હજુ વધારો થશે પણ ઘટાડો થાય તેવા સંજોગો ઘણાં ઓછા છે.