AMCની ઘોર બેદરકારી : જાન્યુઆરીમાં જે 500 મકાનો તોડી પાડ્યા, હવે તેના જ પ્રોપર્ટી ટેક્સના બિલ મોકલ્યા!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રમાં વિભાગો વચ્ચે સંકલનનો કેવો ગંભીર અભાવ છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વટવા વિસ્તારમાં આવેલા વાંદર વટ તળાવને દબાણ મુક્ત કરવા માટે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં એસ્ટેટ વિભાગ દ્વારા એક મેગા ડેમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત તળાવની જગ્યા પર ગેરકાયદેસર રીતે ઊભા કરી દેવાયેલા આશરે 500 જેટલા કાચા-પાકા રહેણાંક અને ધંધાકીય એકમોને તોડી પાડીને તળાવની જમીન સંપૂર્ણ ખાલી કરાવવામાં આવી હતી.
આ આખીય કામગીરીથી સમગ્ર અમદાવાદ વાકેફ હતું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના જ ટેક્સ વિભાગને આ બાબતની કોઈ જાણ જ ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જે મકાનો અને દુકાનો જાન્યુઆરી મહિનામાં જ જમીનદોસ્ત કરી દેવાયા હતા, તે અસ્તિત્વ વગરની મિલકતોના નામે ટેક્સ વિભાગ દ્વારા હજુ પણ પ્રોપર્ટી ટેક્સના બિલ જનરેટ કરવામાં આવ્યા છે. તંત્રની આ ઘોર બેદરકારીને કારણે સ્થાનિક સ્તરે ભારે હાસ્યાસ્પદ સ્થિતિ સર્જાઈ છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં ગાજ્યો મુદ્દો
કોર્પોરેશનની આ આંતરિક લાપરવાહીનો મુદ્દો ગત ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ જોરશોરથી ગાજ્યો હતો. કમિટીના સભ્યો દ્વારા આ ગંભીર સંકલનના અભાવ પર તીખા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ મામલાને ગંભીરતાથી લેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે ટેક્સ ખાતા અને એસ્ટેટ ખાતાના અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે બંને વિભાગો વચ્ચે યોગ્ય સંકલન સાધીને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાનો આદેશ કર્યો છે. આ સાથે જ તેમણે ભવિષ્યમાં આવા છબરડા અને બેદરકારી ફરી ક્યારેય ન દોહરાય તેવી તાકીદ પણ કરી છે.
આ સમગ્ર મુદ્દાને બહાર લાવનાર કોંગ્રેસ નેતા રાજેશ ટી. સોનીએ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી આજે સંપૂર્ણપણે બેનકાબ થઈ ગઈ છે. વટવા વિસ્તારમાં આવેલ વાનરવટ તલાવડીમાંથી સાત મહિના પહેલાં જે પરિવારોના ઝૂંપડાં તોડી પાડવામાં આવ્યા, આજે એ જ પરિવારોના મિલકત વેરાના બિલ જનરેટ કરવામાં આવી રહ્યા છે. આ માત્ર એક વહીવટી ભૂલ નથી, પરંતુ તંત્રની ગંભીર બેદરકારી અને અસંવેદનશીલતાનું જીવંત ઉદાહરણ છે. એક બાજુ ગરીબોના માથા પરથી છત છીનવી લેવામાં આવે અને બીજી બાજુ અસ્તિત્વમાં જ ન રહેલા મકાનનો ટેક્સ માંગવામાં આવે, તો એ તંત્રની કાર્યક્ષમતા નહીં પરંતુ તેની નિષ્ફળતા દર્શાવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક આ તમામ ટેક્સ બિલ રદ કરવા, જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા અને અસરગ્રસ્ત પરિવારોને ન્યાય આપવા માટે પગલાં લેવા જોઈએ.

