પૂર્વ આરોગ્ય મંત્રી વલ્લભ પટેલનો હત્યા કેસ, આરોપી અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાને ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા

ગુજરાત સરકારની અપીલ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી અને કોર્ટે અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાને નિર્દોષ જાહેર કર્યા હતા. ગુજરાત હાઈકોર્ટે 17 નવેમ્બરના રોજ નીચલી કોર્ટના હુકમને યોગ્ય ગણી અપીલ નકારી હતી. નોંધનીય છે કે, હત્યાની ઘટનાથી લઈ સરકારની અપીલ નકારવા વચ્ચે 36 વર્ષનો સમય લાગ્યો છે.
ચાલો જાણીએ કે આ મામલો શું હતો
36 વર્ષ પહેલા પૂર્વ આરોગ્ય મંત્રી વલ્લભ પટેલની હત્યા થઈ હતી. તે સમયે પડધરી તાલુકાના હડમતીયા ગામે એક કાર્યક્રમ દરમિયાન તત્કાલીન આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાને અગાઉ રાજકોટ સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા હતા.
તેના હુકમ સામેની સરકાર પક્ષે કરેલી સજા કરવાની અપીલ ગુજરાત હાઈકોર્ટમાં થઈ હતી. આ અપીલ પર ગુજરાત હાઇકોર્ટે, અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાને નિર્દોષ છોડી મૂકવાનો સેશન્સ કોર્ટનો હુકમ કાયમ રાખ્યો છે.
વર્ષ 1996માં રાજકોટ સેશન્સ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજા (હડમતીયા)ને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો હતો. વર્ષ 1989માં એક સભા દરમિયાન તત્કાલીન આરોગ્ય મંત્રી વલ્લભ પટેલની તીક્ષ્ણ હથિયાર વડે છ ઘા મારી હત્યા કરવામાં આવી હતી.

