Ahmedabad news: 31 ડિસેમ્બરની ઉજવણી માટે અમદાવાદ લવાયેલો નક્લી દારૂ જપ્ત, ઘાટલોડિયામાં ચાલતું હતું રેકેટ

Ahmedabad news: અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી અને પાર્ટીઓ પહેલાં જ પોલીસે દારૂના શોખીનો માટે લાલબત્તી સમાન અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં એક ફ્લેટમાં 'ગૃહ ઉદ્યોગ'ની જેમ ચાલતા બનાવટી દારૂના કારખાના પર PCB (પ્રિવેન્શન ઑફ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે દરોડો પાડી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ શખસો મોંઘી બ્રાન્ડની લિકરની ખાલી બોટલોમાં સસ્તો કે ભેળસેળયુક્ત દારૂ ભરીને ગ્રાહકોને પધરાવવાની ફિરાકમાં હતા.
રહેણાક વિસ્તારમાં ચાલતું હતું કૌભાંડ
આ અંગે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઘાટલોડિયામાં વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ સામે આવેલ અર્જુન આઇકોન રોડ પર અને ઓશન કોલિના (Ocean Colina) ફ્લેટની આસપાસ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ દરમિયાન આદર્શ સોસાયટીની બાજુમાં આવેલા ફેલેશિયા ફ્લેટમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમતી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર પછી PCB ટીમે ત્યાં દરોડા પાડીને ડુપ્લિકેટ દારૂ બનાવતા બે લોકોને ઝડપી પાડ્યા હતા. આ બંને શખસની ઓળખ પ્રતિક દીપકકુમાર વ્યાસ (ઉં. 45) (રહેઠાણ- ફેલેશિયા ફ્લેટ, ઘાટલોડિયા) અને વિપુલ પ્રવીણભાઇ શાહ (ઉં. 48) (રહેઠાણ- શાહપુર, અમદાવાદ) તરીકે થઈ છે.
શું હતી આ લોકોની મોડસ ઓપરેન્ડી?
આ બંનેએ 31 ડિસેમ્બરની પાર્ટીઓને ધ્યાનમાં રાખીને સારી ક્વૉલિટીના સ્કોચના નામે ગ્રાહકોને સસ્તો દારૂ પધરાવી દેવાની યોજના બનાવી હતી. તેઓ સસ્તો દારૂ લાવતા હતા અને તેને મોંઘી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલોમાં ભરતા હતા. આ દરમિયાન તેઓ બોટલો પર ઓરિજિનલ જેવા જ સ્ટીકર અને સીલ પણ લગાવી દેતા હતા, જેથી ગ્રાહકોને તે અસલી સ્કોચ કે પ્રીમિયમ વ્હિસ્કી જ લાગે.
પોલીસે શું જપ્ત કર્યું?
આ કેસમાં પોલીસે સ્થળ પરથી દારૂ બનાવવાની સામગ્રી અને વાહનો સહિતનો કુલ રૂપિયા 11,53,452 મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી 15 બોટલ, દારૂ ભરવા માટે રાખેલી 5 ખાલી બોટલો, અલગ-અલગ બ્રાન્ડના 6 સ્ટીકર, બોટલ સીલ કરવાના બુચ, 180 મિ.લી. સેમ્પલ બોટલ, બે મોબાઈલ ફોન અને એક સ્કૂટરનો સમાવેશ થાય છે. હાલ પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી, તેઓ આ બોટલો/સ્ટીકરો ક્યાંથી લાવતા હતા, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

