VIDEO: Ahmedabad / જી.બી. શાહ કોલેજ મતદાન મથકે EVM માં ક્ષતિ, કોંગ્રેસ ઉમેદવારની ફરિયાદ બાદ EVM મશીન બદલાયું
અમદાવાદ શહેરમાં ચાલી રહેલા મતદાન દરમિયાન વાસણા વિસ્તારમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસણાની જી.બી. શાહ કોલેજ ખાતે આવેલા મતદાન મથક પર EVM મશીનમાં ક્ષતિ હોવાની ફરિયાદ ઉઠતા તંત્ર દોડતું થયું હતું. કોંગ્રેસના ઉમેદવાર દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવ્યા બાદ અંતે ચૂંટણી અધિકારીઓ દ્વારા EVM મશીન બદલવાની ફરજ પડી હતી.
શું હતો સમગ્ર મામલો?
વાસણામાં આવેલી જી.બી. શાહ કોલેજના બૂથ નંબર 43 પર સવારથી મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ જોષીને એવી ફરિયાદ મળી હતી કે EVM મશીનમાં 2 નંબરનું બટન કામ કરી રહ્યું નથી.
પોતાના પક્ષના ક્રમનું બટન દબાતું ન હોવાની જાણ થતા જ જીગ્નેશ જોષીએ તાત્કાલિક મતદાન મથક પર પહોંચી ચૂંટણી અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આ ક્ષતિ અંગે લેખિતમાં અરજી આપવામાં આવી હતી, જેના પર કાર્યવાહી કરતા ચૂંટણી તંત્ર દ્વારા ખામીયુક્ત EVM મશીન બદલીને નવું મશીન કાર્યરત કરવામાં આવ્યું હતું.

