Ahmedabad/ દુર્ગા સ્કૂલમાં ચોંકાવનારી ઘટના, વિદ્યાર્થીની પાણીની બોટલમાં સહપાઠીએ નાખી અજાણી ગોળી
અમદાવાદની દુર્ગા સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ-6ના એક વિદ્યાર્થી સાથે બુધવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુધવાર સાંજે અંદાજે 4 વાગ્યાના સમયગાળામાં સ્કૂલમાં રિસેસ દરમિયાન આ બનાવ બન્યો હતો, જેના કારણે શાળા પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, એક વિદ્યાર્થીએ તેના સહપાઠીની પાણીની બોટલમાં કોઈ ગોળી નાખી દીધી હતી. જ્યારે વિદ્યાર્થીએ બોટલમાંથી પાણી પીધું ત્યારે તેને પાણીમાંથી અજાણી ગંધ (સ્મેલ) આવી હતી. શંકા જતા તેણે તાત્કાલિક શિક્ષકોને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતા જોતા વિદ્યાર્થીને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરો દ્વારા તપાસ બાદ વિદ્યાર્થીની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું. વિદ્યાર્થીને સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. જ્યારે ગોળી નાખનાર વિધાર્થીને આગામી દિવસોમાં શાળાએ હાજર ન રહેવા સૂચના આપવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વિદ્યાર્થીના ઘરે પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાના કારણે ડામરની ગોળીઓ ઉપલબ્ધ હતી. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ જ ગોળી બોટલમાં નાખવામાં આવી હોઈ શકે છે. જોકે, હજુ સુધી ગોળી નાખવાના પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
દુર્ગા સ્કૂલના પ્રિન્સીપાલ કેતન આર. શાહે ઘટનાને લઈને જણાવ્યું કે, “વિદ્યાર્થીની સલામતી અમારી પ્રથમ પ્રાથમિકતા છે. ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર પડે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.” ઘટના બાદ વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે વધુ સાવચેતીના પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.

