VIDEO: જન્માષ્ટમીની ઉજવણી માટે બજારોમાં શ્રીકૃષ્ણના શણગારની ધૂમ ખરીદી, રાધા-કૃષ્ણની ડિઝાઇનવાળા વાઘાની ભક્તોમાં માગ
જગતનાથનો જન્મોત્સવ એટલે જન્માષ્ટમી. જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારોમાં તહેવારની રોનક જોવા મળી રહી છે. ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના શણગાર સહિતની વિવિધ વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે.
ભગવાન શ્રીકૃષ્ણના શણગારમાં વાઘા, વાંસળી, મુગટ, કુંડળ, હાર, આસન તેમજ પારણાંની વિવિધ વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને આ વર્ષે કૃષ્ણ ભગવાનના વાઘામાં નવા ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે. ડાયમંડ અને મોતી વર્કવાળા વાઘા, ફ્લાવર્સ પ્રિન્ટવાળા વાઘા તેમજ રાધા-કૃષ્ણની ડિઝાઇનવાળા વાઘાની ભક્તોમાં ખાસ માંગ જોવા મળી રહી છે.
વિવિધ ડિઝાઇન અને સજાવટની વસ્તુઓની માગ
વાઘા ઉપરાંત ભગવાન માટે આકર્ષક હાર, મુગટ અને કુંડળની પણ ભક્તો ખરીદી કરી રહ્યા છે. નાના બાળક સ્વરૂપે બિરાજમાન લાલજીને જન્માષ્ટમીના દિવસે પારણામાં ઝુલાવવાની પરંપરા હોવાથી વિવિધ પ્રકારના પારણાંની પણ બજારમાં માંગ વધી છે. મેટલ અને લાકડામાંથી તૈયાર કરાયેલા પારણાં ઉપરાંત હિંડોળા, પિત્તળ અને કોપરના ઝુલા પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. ઝુલાની આસપાસ ભગવાનના શણગાર માટે પણ વિવિધ ડિઝાઇન અને સજાવટની વસ્તુઓ ઉપલબ્ધ છે.
જન્માષ્ટમી નજીક આવતાં બજારોમાં શ્રીકૃષ્ણના શણગારની ખરીદી માટે ભક્તોની ભીડ વધી રહી છે. પરંપરાગત શણગાર સાથે નવી ડિઝાઇન અને આકર્ષક વર્કવાળા વાઘા તથા ઝુલા આ વર્ષે બજારમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

