Banaskantha News: ડીસામાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી,શોભાયાત્રા સાથે મટકીફોડનો જુઓ VIDEO
જન્માષ્ટમી પર્વે બનાસકાંઠાના ડીસા પંથકમાં ભક્તિ અને આનંદનો અનોખો મેળાપ જોવા મળ્યો છે શહેરની વિવિધ સંસ્થાઓ અને યુવા મંડળો દ્વારા મટકી ફોડના કાર્યક્રમો ભવ્ય રીતે યોજાયા હતા. આ મટકીફોડ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા. નાનાં બાળકોમાંથી લઈને યુવાનો અને મહિલાઓએ પણ જન્માષ્ટમીના ઉત્સવમાં હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો. શહેરમાં નગરયાત્રાનું આયોજન પણ થયું છે.
ડીસાની ગલીઓમાં ‘નંદ ભયો નંદલાલ’ અને ‘જય કનૈયા લાલ કી’ ના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. યુવતીઓએ તલવારબાજીના કરતબ દેખાડ્યા હતા. આ સિવાય મટકી ફોડ સ્પર્ધામાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. મંડળીઓ દ્વારા ભક્તિ સંગીત અને ઢોલ-નગારા સાથે ઉત્સવને વધુ રોનકભર્યો બનાવાયો. જન્માષ્ટમી પર્વે ઠેર ઠેર યોજાયેલા આ કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓની ભક્તિનું જોમ જોવા મળ્યું. સમગ્ર ડીસા પંથકમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી.

