VIDEO: ધોળકામાં 171 કરોડના ખર્ચે કાંસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી, પાણીના નિકાલની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ
ધોળકા નગરપાલિકા વિસ્તારમાં દુષિત પાણી અને કંપનીઓના કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતોના આંદોલન વચ્ચે સરકાર એક્શન મોડમાં આવી છે. આ મામલે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ મીડિયાને માહિતી આપતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટની જાહેરાત અંગે વિગતો આપી છે.
કુલ 21.64 કિલોમીટરની ડ્રેઇન તૈયાર કરાશે
ધોળકા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા કાંસના ડેવલપમેન્ટ માટે 171 કરોડ રૂપિયાના ખર્ચે મોટો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત કુલ 21.64 કિલોમીટરની ડ્રેઇન તૈયાર કરવામાં આવશે.
પ્રોજેક્ટ હેઠળ ચંદ્રભાગાથી મીઠીકુઈ સુધી 6.159 કિલોમીટર લાંબી, 7 મીટર પહોળી અને 3 મીટર ઊંડી બોક્સ ડ્રેઇન બનાવવામાં આવશે. જ્યારે મીઠીકુઈથી કેડીલા સુધી 2.951 કિલોમીટરની ખુલ્લી કાંસ તૈયાર કરાશે."
નવા પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરાશે
આ ઉપરાંત બસ સ્ટેશન રોડ પર જુદી જુદી જગ્યાએ કુલ 3.302 કિલોમીટરની સ્ટ્રોમવોટર ડ્રેઇન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગીમાટેક્ષ કંપની પાસે નવા પમ્પિંગ સ્ટેશનનું પણ નિર્માણ કરાશે. આ પમ્પિંગ સ્ટેશનથી 9.230 કિલોમીટર લાંબી રાઇઝિંગ લાઇન મારફતે નગરપાલિકા વિસ્તારનું પાણી સાબરમતી નદી સુધી પહોંચાડવામાં આવશે. સરકારના આ પ્રોજેક્ટથી ધોળકા નગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ખેડૂતો દ્વારા દુષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે રજૂ કરવામાં આવેલી સમસ્યાઓ વચ્ચે આ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. હવે પ્રોજેક્ટનું કામ ક્યારે શરૂ થાય છે અને તે ક્યારે પૂર્ણ થાય છે તેના પર સ્થાનિકોની નજર રહેશે.

