VIDEO: ધોળકામાં કેમિકલયુક્ત ગંદા પાણીના વિરોધમાં ખેડૂતોનું રણશિંગું, તંત્રએ લેખિત બાંહેધરી ન આપતાં આંદોલન યથાવત્
ધોળકા તાલુકાના ગામોની હજારો એકર જમીન દૂષિત પાણી અને કેમિકલયુક્ત કચરાને કારણે બંજર બની જવાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન હવે આરપારની લડાઈમાં ફેરવાયું છે. તંત્ર દ્વારા પ્રશ્નના ઉકેલ માટે બે વર્ષનો સમય માંગવામાં આવતાં અને લેખિત બાંહેધરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરાતાં પાંચથી છ ગામના ખેડૂતોએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
જૂના શાકમાર્કેટથી પ્રાંત કચેરી સુધી વિશાળ રેલી
આંબારેલી, પાલડી, નેસડા, ભેટાવાડા, ત્રાસદ અને પીસાવાડા સહિતના ગામોના ખેડૂતો, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, આંદોલનના આગેવાનો પિન્ટુ કોળી, શૈલેષ મેર તથા મોટી સંખ્યામાં મહિલાઓ જૂના શાકમાર્કેટ ખાતે એકઠા થયા હતા. ત્યાંથી નીકળેલી વિરોધ રેલી મઘીયા, મલાવ અને જૂના બસ સ્ટેન્ડ થઈને પ્રાંત કચેરી પહોંચી હતી. રેલી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા ધોળકા ડીવાયએસપી (DySP), પીઆઈ (PI) સહિત ૨૦૦થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
૫ કલાકની બેઠક નિષ્ફળ: તંત્રએ લેખિત બાંહેધરી ન આપી
પ્રાંત કચેરી ખાતે ખેડૂત પ્રતિનિધિઓ, ધારાસભ્ય અને પ્રાંત અધિકારી વચ્ચે પાંચ કલાકથી વધુ સમય સુધી ચર્ચા-વિચારણા ચાલી હતી. પ્રાંત અધિકારીએ સમસ્યાના કાયમી નિરાકરણ માટે દોઢથી બે વર્ષનો સમય માંગ્યો હતો. જોકે, ખેડૂતોએ કામગીરી અંગે લેખિત બાંહેધરીની માગ કરી હતી. તંત્રએ લેખિત આશ્વાસન આપવાની ના પાડતાં ખેડૂતો અને આગેવાનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.
ભાજપને આજીવન મત ન આપવાના માં-બાપના લીધા સોગંદ
મિટિંગ નિષ્ફળ જતાં જિગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં કચેરી પરિસરમાં જ ખેડૂતોએ પોતાના માં-બાપના સોગંદ ખાઈને આજીવન ભાજપને મત નહીં આપવાની ગંભીર પ્રતિજ્ઞા લીધી હતી. મેવાણીએ આ તકે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, "છેલ્લા ૩૦ વર્ષથી યુવાનોને રોજગારી ન આપનારા અને ખોટા વાયદા કરનારાઓ પર હવે વિશ્વાસ ન કરશો." તેમણે આવતીકાલથી જ ભાજપ વિરુદ્ધ ગામડે-ગામડે જાગૃતિ બેઠકો યોજવા આહ્વાન કર્યું હતું.
રાજકીય સમીકરણો પર જોખમ
ધોળકા વિધાનસભા વિસ્તારમાં કોળી પટેલ, અનુસૂચિત જાતિ અને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ છે. અસરગ્રસ્ત પાંચ-છ ગામોની વસ્તી જ ૨૦થી ૨૫ હજાર મતો ધરાવે છે. જો આ વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરે, તો આગામી સમયમાં ધોળકા વિધાનસભા બેઠક પર શાસક પક્ષ માટે મોટું રાજકીય સંકટ ઊભું થઈ શકે છે.
સ્થાનિક અન્ય મુદ્દાઓ પણ ગાજ્યા
આંદોલન દરમિયાન ધોળકાના સરોડા ગામમાં દલિત સમાજને ફાળવેલી જમીન પર માથાભારે તત્વોના ગેરકાયદેસર કબ્જા અને બદરખા ગામમાં છેલ્લા એક મહિનાથી ભરાયેલા પાણીના નિકાલનો મુદ્દો પણ મુખ્યત્વે ચર્ચાયો હતો. આ ઉપરાંત, રેલી જે માર્ગો પરથી પસાર થઈ ત્યાં ધોળકાના મુખ્ય બજારો તેમજ ખુદ પ્રાંત કચેરીના ગેટ આગળ જ ગટરના ગંદા પાણી ભરાયેલા જોવા મળતાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી

