VIDEO: અમદાવાદના માણેકચોકમાં સિલિન્ડર બ્લાસ્ટ, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાચીની પોળમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. કમર્શિયલ એકમના ધાબા પર રાખવામાં આવેલા સિલિન્ડરમાં અચાનક બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી.
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
મળતી માહિતી મુજબ, ધાબા પર કુલ ત્રણ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા, જેમાંથી એક સિલિન્ડર અચાનક ફાટ્યો હતો. સિલિન્ડર બ્લાસ્ટ બાદ આગ લાગતા ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આગને સમયસર કાબૂમાં લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી.
હાલમાં સિલિન્ડર બ્લાસ્ટ કયા કારણોસર થયો અને ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ છે કે કેમ તે અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમો દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

