VIDEO: સાણંદના વીરપુરા પાટિયા પર 1 કરોડનું દારૂ ભરેલું કન્ટેનર જપ્ત, ડ્રાઈવરની ધરપકડ
ભાવનગર નકલી દારૂકાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ એક્શનમાં આવી છે. સાણંદના વીરપુરા પાટિયાથી દારૂ ભરેલું કન્ટેનર જપ્ત કરાયું છે. આ ટેન્કરમાંથી 1.11 કરોડનો વિદેશી દારૂનો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ કુલ 1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાણંદ GIDC પોલીસે ડ્રાઇવર કરતારામ મેઘવાલની સ્થળ પરથી ધરપકડ કરી અને દારૂ મંગાવાના દારૂ મોકલનાર સહિત વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિક્ષામાંથી દારૂ પકડાયો
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અજીત મીલ ચાર રસ્તા પાસે મોડી રાત્રે દારૂ ભરેલી રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ નશામાં ધૂત રિક્ષાચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો. પોલીસે રિક્ષાની તપાસ કરતાં ત્રણ પ્લાસ્ટિકના કોથળામાં ભરેલી 19 થેલીઓ મળી આવી હતી. જેમાં કુલ 57 લીટર દેશી દારૂ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે મનીષ ડાભી અને વિજય તળપદા નામના બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
ડુપ્લિકેટ દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
અમદાવાદમાં પણ ત્રણ દિવસ અગાઉ ડુપ્લિકેટ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. કુબેરનગર વિસ્તારમાં નિકોલ પોલીસ અને SMCએ એક મકાનમાં કાર્યવાહી કરી હતી, જ્યાં સસ્તા દારૂમાં મિલાવટ કરી મોંઘા દારૂ તરીકે વેચાણ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે દિનેશ જંડાવાલાના ઘરમાંથી ડુપ્લિકેટ દારૂ બનાવવાની સામગ્રી, ચાર પ્લાસ્ટિક અને ધાતુની પ્રવાહી ભરેલી બોટલો તેમજ ચાર ઢાંકણાં કબજે કર્યા છે. આ કેસમાં નિકોલના સુનિલ માખીજાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ફરાર દિનેશ જંડાવાલાની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે બોટલ પર લગાવવામાં આવતા સ્ટીકર, લેબલ અને ખાલી બોટલો અંગે પણ તપાસ શરૂ કરી છે.

