VIDEO: અમદાવાદના રખિયાલમાં દારૂ ભરેલી રિક્ષાનો અકસ્માત; સ્થાનિકોએ નશામાં ધૂત ચાલકને પકડી પોલીસને સોંપ્યો
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અજીત મીલ ચાર રસ્તા પાસે મોડી રાત્રે દારૂ ભરેલી રિક્ષાનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થાનિકોએ નશામાં ધૂત રિક્ષાચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો. પોલીસે રિક્ષાની તપાસ કરતાં ત્રણ પ્લાસ્ટિકના કોથળામાં ભરેલી 19 થેલીઓ મળી આવી હતી. જેમાં કુલ 57 લીટર દેશી દારૂ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બે આરોપીઓ સામે ગુનો દાખલ
આ મામલે પોલીસે મનીષ ડાભી અને વિજય તળપદા નામના બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. નશામાં ધૂત મુખ્ય આરોપી મનીષ ડાભી સામે પ્રોહિબિશનનો અલગથી કેસ પણ નોંધવામાં આવ્યો છે. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પણ દારૂની હેરાફેરી અટકતી ન હોવાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. રખિયાલ જેવા વિસ્તારમાં મોડી રાત્રે દારૂનો જથ્થો લઈને રિક્ષા ફરતી હોવા છતાં પોલીસ પેટ્રોલિંગ સામે પણ સ્થાનિકોમાં સવાલો ઉઠ્યા છે. હવે સમગ્ર મામલે પોલીસ તપાસમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

