'યુવાનોને નશામાં ધકેલવાનું ષડયંત્ર', Bopal રેવ પાર્ટી મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની આક્રોશપૂર્ણ પ્રતિક્રિયા
અમદાવાદના બોપલમાં ઝડપાયેલી રેવ પાર્ટીના મામલે કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, એક તરફ ગુજરાતમાં દિવાળીના પાવન પર્વ ચાલી રહ્યા છે અને લોકો રાજ્ય તેમજ દેશના ભલા માટે સંકલ્પ લઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ગાંધી અને સરદારના ગુજરાતમાં બેફામ નશાનું વેચાણ થઈ રહ્યું છે.
ડો. દોશીએ આક્ષેપ કર્યો કે, "યુવાનોને લાંબા સમયથી નશામાં ધકેલવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ફાર્મ હાઉસ અને રિસોર્ટમાં ચાલતી આવી રેવ પાર્ટીઓમાં પોલીસ માત્ર ફરિયાદી બનીને રહી જાય છે. તેમણે થોડા સમય પહેલા અમદાવાદ ગ્રામ્યમાં પકડાયેલી 'રેડ ડાયરી'નો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમાં પણ અનેક મોટા લોકોના નામ હતા.
કોંગ્રેસ પ્રવક્તાએ સરકારને આડેહાથે લેતા કહ્યું કે, "શ્વેતક્રાંતિના બદલે ગુજરાતમાં દારૂના ટેન્કર ઠલવાય છે." તેમણે સ્પષ્ટ કર્યું કે, "યુવાનો રોજગાર માંગે તો દંડા પડે, ખેડૂતો વળતર માંગે તો દંડા પડે અને વિપક્ષ માંગ કરે તો પોલીસ કેસ કરવામાં આવે છે."

