મચ્છર, કચરા અને દબાણ મુદ્દે કમિશનરે અધિકારીઓનો ઉધડો લીધો

અમદાવાદને 'મચ્છરમુક્ત' અને 'કચરામુક્ત' બનાવવાના મુદ્દે મળેલી રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. શહેરમાં મચ્છરોના વધતા ઉપદ્રવ અને મચ્છરજન્ય રોગચાળાને ધ્યાનમાં રાખીને મચ્છરોના બ્રિડિંગ મળી આવે તેવી કન્સ્ટ્રક્શન સાઇટને એક સપ્તાહ માટે સીલ કરવા તેમણે તાકીદ કરી હતી. સાથે જ ટીપી રોડના અમલમાં વિલંબ, દબાણો, કચરા વ્યવસ્થાપન અને બાયોમેટ્રિક હાજરી સહિતના મુદ્દે પણ અધિકારીઓ પાસે કામગીરીનો હિસાબ માગવામાં આવ્યો હતો.
મચ્છર, કચરા અને દબાણ મુદ્દે કમિશનરે અધિકારીઓને ખખડાવ્યા
રિવ્યુ બેઠકમાં મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિને ગંભીરતાથી લેતા કમિશનરે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરોના બ્રિડિંગની સ્થિતિ જોવા મળે તો કડક કાર્યવાહી કરવામાં આવે. આવી સાઇટને એક સપ્તાહ માટે બંધ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન કમિશનરે કોરોના કાળ દરમિયાન નિયમોનો ભંગ કરતી કન્સ્ટ્રક્શન સાઇટ સામે કરવામાં આવેલી કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને એ જ પ્રકારની કડકાઈથી મચ્છર બ્રિડિંગના કેસમાં પગલાં લેવા કહ્યું હતું.
અધિકારીઓ પાસે કામગીરીનો હિસાબ માગવામાં આવ્યો
શહેરમાં દરરોજ 50 કિલોગ્રામથી વધુ સોલિડ વેસ્ટ પેદા કરતા હોટલ, રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ એકમો માટે બલ્ક વેસ્ટ જનરેટર સંબંધિત વ્યવસ્થાનો અમલ કરવા અગાઉ સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં કામગીરીમાં ખામી સામે કમિશનરે પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાદકર પાસે જવાબ માગ્યો હતો. આ ઉપરાંત શહેરમાં કેટલા સ્થળે 4 પ્રકારના ડસ્ટબિન મૂકવામાં આવ્યા, ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની સ્થિતિ શું છે, સફાઈ કામદારો અને આરડબ્લ્યુએ મંડળીના કામદારોની બાયોમેટ્રિક હાજરીનો કેટલો અમલ થયો છે તેમજ 311 હેઠળના કામદારોની હાજરી અંગે પણ માહિતી માગવામાં આવી હતી.

